નર્મદા નહેરની કામગીરી ઝડપભેર પૂર્ણ કરો

નર્મદા નહેરની કામગીરી ઝડપભેર પૂર્ણ કરો
ભુજ, તા. 22 : વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યની અધ્યક્ષતા હેઠળ નર્મદા કેનાલ, જિલ્લાના હાઈવે બાબતો સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. નર્મદા નહેરની થયેલી કામગીરી, કચ્છ શાખા નહેરની વર્તમાન સ્થિતિ, અવરોધો અને આયોજન, સ્મૃતિવન, ભુજ-ભચાઉ હાઈવે-ભુજોડી-ભચાઉ બ્રિજ અને ભુજ- ધર્મશાળા હાઈવે રોડ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી. નર્મદા કેનાલમાં ફળાઉ ઝાડનું વળતર, પ્રમોલગેશન તેમજ વધારાના સ્ટ્રકચરની કામગીરીના પ્રશ્નોના નિરાકરણ બાબતે કલેકટર પ્રવીણા ડી.કે. અને અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યના સંકલનથી ઝડપથી પૂર્ણ કરવા સહયોગ આપવા જણાવ્યું હતું.  નર્મદા જમીન સંપાદન બાબતે વી. એ. પ્રજાપતિએ વિગતો પૂરી પાડી હતી. નર્મદા કચ્છ શાખા નહેરની અદ્યતન સ્થિતિમાં 4.954 કિ. મી. ખેડૂતોના અવરોધો અને નિરાકરણ બાબતે સરદાર સરોવર નર્મદા નિગમમાં કરવાની થતી જમીન સંપાદન બાબતે ડો. નીમાબેને વિગતે માહિતી મેળવી જરૂરી સહયોગ આપવા તેમજ માર્ગદર્શન સૂચવ્યા હતા. વહેલી તકે નર્મદા નિગમની કામગીરી પૂર્ણ થાય તે માટે પ્રતિનિધિ બની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. સ્મૃતિવન પ્રોજેકટની કામગીરીની વિગતો કાર્યપાલક ઈજનેર વી. એન. વાઘેલા પાસે જાણીને ફેબ્રુઆરી-22 સુધી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમજ આસપાસ અન્ય વિકાસકામો બાબતે ચર્ચા કરી હતી. માર્ગ વિકાસ નિગમના એક્ઝિકયુટિવ એમ. એચ. મહેતા દ્વારા ભુજ-ભચાઉ રોડ ભુજોડી બ્રિજના કામની પ્રક્રિયા માટે સમીક્ષા કરવામાં આવી હતી.ભુજ-ધર્મશાળા રોડ માટે એમ. એમ. વીસાવડિયા નેશનલ હાઈવે ગાંધીધામ રોડ દ્વારા અધ્યક્ષાને વિગતે માહિતી પૂડી પડાઈ હતી. ત્રણ મેજર અને 1 માઇનર બ્રિજ થઇને ડિસેમ્બર સુધી કામ પૂર્ણ થશે તેવું  જણાવ્યું હતું.  ધર્મશાળા રોડ ફોરલેનમાં અને મજબૂત કરવા તેમજ માતાના મઢથી રવાપર રોડ, દયાપરથી સુભાષપર રોડ, હાજીપીરથી ઘડુલી કામની પ્રક્રિયા પર અધ્યક્ષા અને ધારાસભ્ય પ્રધ્યુમનાસિંહ જાડેજાએ પણ ચર્ચા કરી હતી. ઘડુલી-સાંતલપુર રોડ, ભુજથી અંજાર રોડ બાબતે પણ ચર્ચા કરાઇ હતી. પુન: ફરી કામગીરીની વિશેષ નર્મદા નહેર, ફળાઉ ઝાડ, ખુલ્લી કેનાલ કે પાઇપલાઇન અંગે ચર્ચા કરીશું એમ પણ ઝડપથી કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર હનુમંતાસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, મામલતદાર સી. આર. પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer