ઘેટાં-બકરાંના માલધારીઓની સમસ્યા

ઘેટાં-બકરાંના માલધારીઓની સમસ્યા
અંજાર, તા. 22 : વરનોરામાં રોજી માતાજીના સ્થાને અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજના પ્રમુખ હીરાભાઇ રબારીના અધ્યક્ષસ્થાને ઘેટાં-બકરાંના માલધારીઓની સમસ્યાઓ માટે ચિંતન બેઠક યોજાઇ હતી, જેમાં કચ્છના તમામ તાલુકાના પ્રતિનિધિઓ અને માલધારીઓ હાજર રહ્યા હતા અને ઘેટાં બકરાના માલધારીઓની સમસ્યાના નિરાકરણ માટે રણનીતિ નક્કી કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પ્રમુખે ઘેટાં બકરાના માલધારીઓની સમસ્યા સરકાર સુધી પહોંચાડવા સમિતિ બનાવવા જણાવ્યું હતું. કરશનભાઇ રબારીએ ઘેટાં-બકરાંને પશુની વ્યાખ્યામાં લાવવા પશુઓ માટે  વાડા-જગ્યા  ફાળવી પાણી અને ચરિયાણ અને ખાસ નરપશુ વેચાણ માટે સરકાર સાથે સંકલન કરવા સંસ્થાઓના સહયોગ માટે આયોજન કરવા  અપીલ કરી હતી. ભોજાભાઇ રબારી અને ભીખાભાઈ રબારીએ સાથે મળી સંગઠનના માધ્યમથી કામ કરવા જણાવ્યું હતું.સહજીવન સંસ્થાના મહેન્દ્ર ભાનાણીએ ઘેટાં-બકરાંના માલધારી સંગઠનના માધ્યમ સહજીવન દ્વારા કરવામાં આવતી કામગીરી જેમાં સરકાર સાથે સંકલન કરી ગુજરાત ઘેટાં વિકાસ નિગમને સાથે રાખી ઘેટાંના વેચાણ, ઊન અને આરોગ્ય માટે કામગીરી અને માહિતી આપી હતી.માલધારીઓએ ઘેટાં-બકરાંના વેચાણમાં આવતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી, જેમાં તુણા બંદર બંધ થવાથી ઘેટાં વેપાર  પર વિપરિત અસર પડી છે. આજે પૂરતા ભાવ નથી મળી રહ્યા. આમ તાલુકા સ્તરે સમિતિ બનાવી આવનાર સમયમાં સરકારને આ બાબતે અવગત કરવા નક્કી કરવામાં આવ્યું હતું. અરજણભાઇ રબારી અને વિરમભાઇ રબારીએ વ્યવસ્થા સંભાળી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer