આજથી વર્લ્ડકપનો સુપર-1ર રાઉન્ડ શરૂ

અબુધાબી, તા.22: ઓસ્ટ્રેલિયાની ટીમ આઇસીસી ટી-20 વિશ્વ કપમાં શનિવારે જ્યારે દ. આફ્રિકા વિરૂધ્ધ તેના અભિયાનની શરૂઆત કરશે ત્યારે તેના ટોચના ક્રમના બેટધરો પાસે ફોર્મમાં વાપસી કરીને શાનદાર દેખાવની આશા રહેશે. ટી-20 વિશ્વ વિજેતા બનવામાં અત્યાર સુધી નિષ્ફળ રહેનાર આ બન્ને ટીમો તેમના સપનાને સાકાર કરવા માટે સુપર-12ના ગ્રુપ-વનમાં જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવાનું લક્ષ્યાંક રાખશે. જો કે ઓસ્ટ્રેલિયાની બાજુ ચિંતા વધુ છે. અહીં પહોંચ્યા પહેલા તેને બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડિઝ, ન્યુઝીલેન્ડ, ભારત અને ઇંગ્લેન્ડ વિરૂધ્ધની દ્રિપક્ષીય ટી-20 શ્રેણીમાં હાર સહન કરવી પડી છે. આ દરમિયાન કાંગારૂ ટીમ ફકત પાંચ જીત મેળવી શકી છે અને 13માં હારનો સામનો કરવો પડયો છે. જો કે આમાંની મોટાભાગની મેચોમાં તેના સ્ટાર ખેલાડીઓ ટીમમાં સામેલ ન હતા. આથી આ ખેલાડીઓને તૈયારીનો પૂરો મોકો મળ્યો નથી.ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ચિંતા આક્રમક ઓપનર ડેવિડ વોર્નરનું ખરાબ ફોર્મ છે. આઇપીએલમાં યૂએઇમાં તેને શૂન્ય અને બે રનની ઇનિંગ બાદ સનરાઇઝર્સની ઇલેવનની બહાર કરી દેવાયો હતો. અભ્યાસ મેચમાં પણ તેનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યંy હતું. બન્ને મેચમાં તેણે ઝીરો અને એક રનની ઇનિંગ રમી હતી. આમ છતાં ટીમની આશા છે કે વિશ્વ કપની શરૂઆત સાથે વોર્નર તેના અસલી અંદાજમાં બેટિંગ કરવા લાગશે. સર્જરી બાદ વાપસી કરનાર કેપ્ટન એરોન ફિંચની પણ ક્રિઝ પર કસોટી થશે. ઉપસુકાની પેટ કમિન્સે આઇપીએલમાં બ્રેક લીધો હતો. આથી તેને પણ પ્રેકટીસ મળી નથી. ટીમ પાસે મીડલઓર્ડરમાં સ્ટીવ સ્મિથ, મિચેલ માર્શ, ગ્લેન મેકસવેલ અને માર્કસ સ્ટોઇનિસ જેવા સારા આક્રમક બેટસમેન છે. જે કયારે પણ મેચનો નકશો બદલી શકે છે. ખાસ કરીને યૂએઇમાં મેકસવેલનું શાનદાર ફોર્મ ઓસ્ટ્રેલિયા માટે પ્લસ પોઇન્ટ બની રહેશે. ઓસિ. પાસે શાનદાર બોલિંગ હરોળ છે. જેમાં કમિન્સ, હેઝલવૂડ, રિચર્ડસન અને સ્ટાર્ક છે.બીજી તરફ દ. આફ્રિકાની ટીમ ગત વિજેતા વેસ્ટ ઇન્ડિઝ, આયરલેન્ડ અને શ્રીલંકાને હરાવીને અહીં પહોંચી છે. ટીમે બન્ને અભ્યાસ મેચ પણ જીતી છે. જો કે આ વખતની આફ્રિકાની ટીમમાં કોઇ મોટા ખેલાડીઓ નથી. આથી ટૂર્નામેન્ટમાં તેને જીતની પ્રબળ દાવેદાર ગણવામાં આવતી નથી. તેના ટોચના ક્રમના બેટધરો સુકાની તેમ્બા બાવુમા, ડિ'કોક, માર્કરમ, હેંડ્રિકસ અને ડુસાન કોઇ પણ બોલિંગ લાઇનઅપને ભારે પડી શકે છે. ખાસ કરીને આફ્રિકાની બોલિંગ વધુ મજબૂત છે. જેમાં રબાડા, નોત્ઝે, એન્ડિગીની ત્રિપુટી  છે. જયારે સ્પિન મોરચે ટી-20નો વિશ્વ નંબર વન બોલર તબરેજ શમ્શી છે. ડેવન પ્રિટોરિયસ અને વિયાન મુલડર તેના ઓલરાઉન્ડર છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer