તંત્ર મથે છે છતાં લોકોને રસીમાં રસ ઓછો

ભુજ, તા. 22 : કોવિડ-19 રસીકરણ માટે આરોગ્ય તંત્ર મથી રહ્યું છે, પણ કોરોનાનો ભય ઓસરતાં લોકોને રસ ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે. મેગા ડ્રાઇવમાં પણ પૂરતા ડોઝ વપરાતા નથી. કોરોનાના ભય દરમ્યાન લોકો રસી લેવા માટે લાઇનો લગાડતાં વારો ન આવે તો ધાંધલ ધમાલ સહિતની ફરિયાદો ઊઠતી હતી. હવે જ્યારે સુલભ છે ત્યારે બાકી રહી ગયેલા લોકો રસી લેવા ન પહોંચતા હોવાથી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરાઇ રહ્યા છે. કચ્છમાં મતદારયાદી મુજબ 18 વર્ષની ઉમરના 16.38 લાખ લોકો પૈકી તા. 21/10 સુધી પહેલો ડોઝ 14.01 લાખ લોકોએ લીધો તો બીજો 6.18 લાખ લોકોએ લીધો. આમ 20.19 લાખ લોકોએ રસી લીધી, પણ સામે પહેલો ડોઝ લેવામાં હજુ 2.36 લાખ લોકો બાકી છે, તો બીજો ડોઝ 7.83 લાખ લોકોએ લેવાનો બાકી છે.રસીકરણ માટે ટીમો દ્વારા ઘરોઘર સમજાવવા અંતરિયાળ વિસ્તારો સુધી ફરતી હતી તેમને અમુક લોકો દ્વારા રસી નહીં જ લઇએ તેવા જવાબો અપાતા હતા. આવી સ્થિતિ હજુ છે તેવું સીડીએચઓ ડો. જે. ઓ. માઢકને પૂછતાં તેમણે 30 દિવસ પહેલાંની વાત છે તેવું જણાવ્યું હતું. જો કે, ડો. માઢકે તંત્ર દ્વારા પ્રયાસો વિશે જણાવ્યું કે, માધ્યમિક શિક્ષણાધિકારીની શિક્ષણ વિભાગની ટીમ 7 દિવસથી રસીમાં બાકી હોય તેમને સમજાવવા ઘરોઘર જઇ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરી તેમના સહયોગ સાથેના પ્રયાસો ચાલી રહ્યા છે.પ્રાંત અધિકારીની ટીમો ઉપરાંત સીડીપીઓ દ્વારા બેઠક કરી લોકોને રસીકરણના ફાયદા સમજાવી તેનાથી કોઇ નુકસાન થતું નથી તેવું સમજાવી રસીકરણ માટે પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે. લોકોના મંદ ઉત્સાહ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, દિવાળીના તહેવારોના કારણે કામ હોવાના, ખેતરોમાં કામે જવાનું હોવાના કારણે અનાકાની કરાતી હોય છે, જ્યારે અમુક લોકો ના જ પાડે છે. સરકારના પોર્ટલ પર કચ્છમાં સરકારી 210 અને ખાનગી 5 સ્થળે રસીકરણ શુક્રવારે ચાલુ હોવાનું દર્શાવ્યું હતું. તાલુકાવાર તા. 21/10ની સ્થિતિ પર નજર કરીએ તો રસીકરણ કરાવવા માટે લોકોની નિરસતા છતી થાય છે. અબડાસામાં 4340ના લક્ષ્યાંક સામે પહેલો અને બીજો બંને ડોઝ મળી માત્ર 7 ટકા લોકો રસી લેવા આગળ આવ્યા હતા. અંજારમાં 3730ના લક્ષ્યાંક સામે 32 ટકા, ભચાઉમાં 2620ના લક્ષ્યાંક સામે 22 ટકા, ભુજ તા.ના 11,660ના લક્ષ્યાંક સામે ફક્ત 6 જ ટકા લોકો આગળ આવ્યા. ગાંધીધામના લક્ષ્યાંક 5900ની સામે 24 ટકા, લખપતના 420ના લક્ષ્યાંક સામે 29 ટકા, માંડવીમાં 2900માંથી 23 ટકાએ, મુંદરામાં 6980ના 10 ટકાએ જ તો નખત્રાણાના 4320માંથી ફક્ત 7 ટકા લોકોએ રસી મુકાવી હતી, તો રાપર તાલુકામાં 3 હજારના લક્ષ્યાંકમાંથી 20 ટકા જ રસી લેવા પહોંચ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer