તહેવારોમાં સંભાળજો : કચ્છમાં કોરોનાના બે સંક્રમિત વધ્યા

ભુજ, તા. 22 : છ દિવસ સુધી કચ્છમાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાતાં મળેલી રાહત વચ્ચે તહેવારોના આગમન પૂર્વે જ કચ્છમાં ફરી કોરોનાએ દેખા દીધી છે અને ગાંધીધામ શહેર-તાલુકામાં બે કેસ નોંધાતાં તહેવારોની ઉજવણીમાં સાવચેતી રાખવી પડશે એ મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે.બુધવારે ચોથીવાર કોરોના મુક્ત બનેલા કચ્છની કોરોના મુક્તિ ક્ષણિક સમય માટે ટકી હોય તેમ વધુ બે કેસ નોંધાતાં સક્રિય કેસ બે પર પહોંચવા સાથે કુલ્લ કેસનો આંકડો 12,635 પર પહોંચ્યો છે. ગાંધીધામ શહેર-તાલુકામાં નોંધાયેલા બે કેસ પૈકી 1 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી કાશ્મીરની છે, તો બીજો દર્દી અન્ય રાજ્યમાં દર્શનાર્થે ગયો હતો ત્યાંથી પરત ફર્યા બાદ સંક્રમિત થયા છે. આરોગ્ય તંત્રે બે કેસ નોંધાયા બાદ આવશ્યક તકેદારીના પગલાં ભર્યા છે.દરમ્યાન ગાંધીધામમાં 1774, ભુજમાં 1579, અંજારમાં 1038, મુંદરામાં 811, ભચાઉમાં 654, રાપરમાં 553, માંડવીમાં 514, નખત્રાણામાં 387, અબડાસામાં 238 અને લખપતમાં 55 મળી 7603ને રસી અપાતાં કુલ્લ રસીકરણનો આંક 13.03 લાખે પહોંચ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer