નિયત સ્થળે માલ ન પહોંચાડી ટ્રાન્સપોર્ટર સાથે રૂા. 7.29 લાખની છેતરપિંડી

રાપર, તા. 22 : ભચાઉ તાલુકાનાં લુણવાથી ટ્રકમાં માલ લઈ નીકળેલા ચાલકે નિયત સ્થળે માલ ન પહોંચાડી ટ્રાન્સપોર્ટર  સાથે  છેતરપિંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આરોપી યશપાલ તા. 14  ઓગસ્ટના સવારે 11 વાગ્યે ભચાઉ  તાલુકાનાં લુણવા ખાતે આવેલી નારાયણી કોક  કંપનીમાંથી 23.500 ટન   લેમ કોક લઈને  હરિયાણા સ્થિત કૃનાલ ટ્રેડર્સ  ખાતે પહોંચાડવા માટે નીકળ્યો હતો. જી.જે. 04. એ.ડબલ્યુ. 3770 નંબરની ટ્રકમાં માલ ભરી નીકળ્યા બાદ આજ દિન સુધી આરોપી ચાલકે માલ હરિયાણાની કંપનીમાં પહોંચાડયે ન હતે.ટ્રકમાં ભરવામાં આવેલા માલની કિંમત રૂા. 7.29 લાખ આંકવામાં આવી છે. આરોપી ચાલકનો સંપર્ક શક્ય ન બન્યા બાદ પરિવહનકારે આ મામલે ચાલક સામે ગુનો નોંધાવ્યો હતે. પોલીસે પવન કુમાર ઈન્દ્રજિત જાટ (ચૌધરી)ની ફરિયાદના આધારે ચાલક સામે છેતરપિંડી સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ  પણ  ભચાઉ નજીક આયાતી તેલનો મોટો જથ્થો સગેવગે કરીને પરિવહનકાર સાથે મોટી રકમની છેતરપિંડી કરાઈ હતી. ભચાઉ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer