રાપરમાં માવિત્રે આવેલી યુવતીએ ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

ગાંધીધામ, તા. 22 : રાપરના ડોડિયાવાસ વિસ્તારમાં પાંચ દિવસ પહેલાં પોતાના માવિત્રે આવેલી શ્રુતિબેન ભરત શાહ (ઉ.વ. 21) નામની યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજી બાજુ, અંજારનાં અજાપરમાં રહેતા કરસન વીરા વાઘોર (ઉ.વ. 56) નામના આધેડે ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા.રાપરના ડોડિયાવાસમાં પોતાનાં માવિત્રે આવેલી શ્રુતિ શાહ નામની યુવતીએ ગઈકાલે ઢળતી બપોરે અંતિમ પગલું ભરી લીધું હતું. ત્રણ મહિના અગાઉ આ યુવતીનાં લગ્ન પાટણ ખાતે થયાં હતાં અને છેલ્લા પાંચ દિવસથી તે પોતાના માવિત્રે ફરવા આવી હતી. દરમ્યાન ગઈકાલે બપોરે તે પોતાનાં પિતાનાં ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પોતાનાં જીવનનો અંત આણ્યો હતો. ત્રણ મહિના પહેલાં જેના હાથમાં લગ્નની મહેંદી લાગી હતી તે યુવતીએ કેવાં કારણોસર આ પગલું ભરી લીધું હશે તેની આગળની તપાસ ડીવાય.એસ.પી. કે.જી. ઝાલાએ હાથ ધરી છે. બીજીબાજુ, અજાપરમાં અપમૃત્યુનો એક બનાવ બન્યો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અહીં રહેતા ને પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા કરસનભાઈ વાઘોરે ગઈકાલે વહેલી પરોઢે અંતિમ પગલું ભરી લીધું હતું. આ આધેડે પોતાનાં ઘરની ઓસરીમાં લોખંડના એંગલમાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેમણે આ પગલું કેવાં કારણોસર ભર્યું હશે તેની આગળની તપાસ પી.એસ.આઈ. સી.બી. રાઠોડે હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer