કચ્છ માટે 100 ટકા રસીકરણનો પંથ લાંબો

કચ્છ માટે 100 ટકા રસીકરણનો પંથ લાંબો
ભુજ, તા. 21 : આત્મનિર્ભર ભારતે કોવિડ-19 સામે સ્વદેશી રસીના 100 કરોડ ડોઝ આપવાની સિદ્ધિની દેશભરમાં ઉજવણી કરી હતી. ગુજરાતમાં પણ 90 ટકા પ્રથમ ડોઝ અપાઇ ચૂકયા છે. રાજ્યના ત્રણ મહાનગરો અને ચાર જિલ્લામાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરાયું છે. કચ્છમાં આજ સુધી કોરોના વિરોધી 20.5 લાખ લોકોને પ્રથમ ડોઝ 85.55 ટકા જ્યારે બીજો ડોઝ 44.10 ટકા લોકોને અપાયો છે. આથી પહેલા ડોઝમાં હજુ 15 ટકા જેટલા લોકો, તો બીજા ડોઝમાં 55 ટકાથી વધારે લોકો બાકી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. ઓઁ. માઢકને રસીકરણ પૂર્ણ કરવા માટે સમયનો લક્ષ્યાંક અપાયો છે કે કેમ તે વિશે પૂછતાં તેમણે ડેડલાઇન ન હોવાનું જણાવી કચ્છમાં સ્થળાંતર વગેરે બાદ કરીએ તો હજુ એકાદ લાખ લોકો પહેલા ડોઝ માટે બાકી છે. જે લોકો રસી લેવા તૈયાર નથી તેમને સમજાવવાના ખૂબ જ પ્રયાસો ચાલુ છે. મજૂરી, ખેતીકામ અને દિવાળી તહેવારોને જોતાં રસીકરણ થોડું ધીમુ ં થઇ શકે, ત્યારબાદ બધાને બીજો ડોઝ પૂર્ણ થયે તે પછી  શાળાના બાળકોને રસીકરણમાં આવરી લેવા સરકારની સૂચના આવશે ત્યારે  તે કામગીરી કરાશે.ભુજ કલેકટર પ્રવીણા ડી. કે.ની વિશેષ ઉપસ્થિતિમાં જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાની ઉપસ્થિતિમાં માધાપર ખાતે ઉજવણી કરાઇ હતી.  આજે ભુજ વ્યાયામશાળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વોરિયર્સ એવા મેડિકલ સ્ટાફનું કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે.ની. વિશેષ ઉપસ્થિતિમાં બહુમાન કરાયું હતું અને જણાવાયું કે, ભારતીય વેક્સિન એ એકમાત્ર ઉપાય તરીકે આશાનું કિરણ બનીને ભારતની સામે આવ્યું પરંતુ સૌથી મોટો પ્રશ્ન ભારતની આટલી મોટી વસતીને વેકિસન આપવાનો હતો, પરંતુ ભારતના આરોગ્યકર્મીઓએ હાર ન માની આ પડકાર સામે ઝઝુમ્યા, લોકોને સમજાવ્યા, છેવાડાના વિસ્તારમાં ઘરેઘરે જઇને લોકોને વેકિસન આપી રાત-દિવસ જોયા વિના સખત મહેનત કરી અને તેનું પરિણામ  એ આવ્યું કે, આપણે આવું ભગીરથ કાર્ય કરી શકયા અને વેકિસનના 100 કરોડ ડોઝનો લક્ષ્યાંક સિદ્ધ કરી શકયા.પોલીસ બેન્ડ દ્વારા આરોગ્યકર્મીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકે જણાવ્યું કે, કચ્છમાં 14 લાખ લોકોને પ્રથમ ડોઝ તેમજ 6.5 લાખ લોકોને બીજો ડોઝ એમ કુલ 20.5 લાખ લોકોને રસી આપવામાં આવી છે. આ પ્રસંગે કલેકટર તેમજ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે તાલુકા આરોગ્ય અધિકારી ડો. ગાલા, મેડિકલ ઓફિસર્સ, ફાર્માસીસ્ટ તેમજ અન્ય આરોગ્યકર્મીઓનું પુષ્પગુચ્છ  અને શાલ ઓઢાડી સન્માન કરાયું તથા કેક કાપીને આ ખુશીને વધાવી લેવાઇ હતી.જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ના. પશ્ચિમ પોલીસ અધિકારી જે. એન. પંચાલ, સિવિલસર્જન કશ્યપ બૂચ, પી.એસ.આઇ. શ્રી ઝાલા,  શ્રી જાડેજા તેમજ રેશ્માબેન ઝવેરી અને આરોગ્યકર્મીઓ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને માધાપર પ્રા.આ. કેન્દ્રમાં આરોગ્ય કર્મચારીઓ, પોલીસ સ્ટાફ અને આંગણવાડી કાર્યકરોની ઉપસ્થિતિમાં રંગોળી સાથે દીપ પ્રાગટય કર્યું હતું. મીઠું મોં કરી વધાઇ અપાઇ હતી. 100 ફુગ્ગા આકાશમાં ઉડાડાયા હતા. આ ઉજવણીમાં પ્રજનન અને બાળઆરોગ્ય અધિકારી ડો. જે. એ. ખત્રી, મેડિકલ ઓફિસર ડો. કીર્તિકુમાર સીજુ, આઇઇસી ડો. અમીન અરોરા, સુપરવાઇઝર રીટાબેન શાહ, મેલ સુપરવાઇઝર ઇમ્તિયાઝભાઇ પીરાણી, આરોગ્યકર્મીઓ, માધાપર પી.આઇ. જશોદાબેન લેઉઆ અને તેમનો સ્ટાફ તેમજ આંગણવાડીના કાર્યકરો વગેરે જોડાયા હતા. રાપર શહેર અને તાલુકા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના ચિત્રોડ પી.એચ.સી ખાતે દીપ પ્રાગટય કરીને  દેશે મેળવેલી આ સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. આ વેળાએ હાજર રહેલા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે  રસીકરણની કામગીરી કરનારા તાલુકાના સૌ આરોગ્ય કર્મચારીઓને બિરદાવ્યા હતા અને વધુ જોશ સાથે તાલુકામાં  રસીકરણ વેગવંતુ બનાવવા અપીલ કરી હતી. રાપર સબ સેન્ટર ખાતે પણ 100 ફુગ્ગા ઉડાડીને ઉજવણી કરવામાં આવી હતી. - ભચાઉમાં સન્માન કરાયું : ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સહયોગી તમામનો આભાર વ્યક્ત કરી ભચાઉ શહેરમાં કોવિડ રસીકરણમાં આજ સુધી પ્રથમ ડોઝ 30719, બીજો ડોઝ 13290, કુલ્લ 44009 લાભાર્થીઓને રસીકરણ આપવામાં મહત્તમ ફાળો છે એવા ભચાઉના ફિમેલ હેલ્થ વર્કર અર્પિતાબેન માલિવાડ, આશાબેન બારિયા, રાજુબેન રબારી, રક્ષાબેન દવે, ઉર્વશીબેન માલિવાડનું સન્માન ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાણસિંહ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઇ દરજી, તાલુકા હેલ્થ વિઝિટર જશીબેન કરમટા દ્વારા કરવામાં આવ્યું હતું.- દયાપરમાં ઉજવણી : લખપત તાલુકાના દયાપર સા.આ. કેન્દ્રમાં કેક કાપી વિવિધ સ્વરૂપે ઉજવણી કરતા તાલુકા હેલ્થ ઓફિસર ડો. રોહિત ભીલ, મામલતદાર એ. એન. સોલંકી, પીએસઆઇ ગેહલોત તથા આંગણવાડી વર્કર, આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લખપત તાલુકામાં પ્રથમ ડોઝની 93.79 ટકા રસીકરણની કામગીરી થતાં આનંદની લાગણી વ્યક્ત કરાઇ હતી.માંડવી તાલુકાના ગઢશીશા સીએચસી ખાતે પોલીસ સ્ટેશન દ્વારા સન્માન કરાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer