મસ્કા નજીક તુફાન જીપની ટક્કર લાગતાં બાઇક સવાર પરિણીતાનું મોત, પતિને ઇજા

મસ્કા નજીક તુફાન જીપની ટક્કર લાગતાં બાઇક સવાર પરિણીતાનું મોત, પતિને ઇજા
ભુજ, તા. 21 : માંડવી તાલુકામાં મસ્કા ગામ નજીક ગતરાત્રે બાઇકને તુફાનની ટકકર લાગતા દ્વીચક્રી ઉપર સવાર મસ્કા ગામના અરૂણાબેન પ્રેમજી નાગુ (ઉ.વ.39)ને મોત આંબી ગયું હતું અને તેમના પતિ બાઇક ચાલક પ્રેમજી શંકરજી નાગુ (ઉ.વ.42)ને ઇજાઓ થઇ હતી. બીજીબાજુ ભુજ તાલુકાના સામત્રા ગામ નજીક ખાનગી બસની ટકકર લાગવાથી ગામના 15 વર્ષની વયના રાહદારી કિશોર સનાવાલા અલીમામદ સમાનું મૃત્યુ થયું હતું. જયારે નખત્રાણા તાલુકામાં ભડલી ગામના વાડી વિસ્તારમાં કોમલ ભગવાનદાસ કોળી (ઉ.વ.16) નામની ખેતમજુર પરિવારની કિશોરીએ ઝેરી દવા પી લઇને કોઇ કારણોસર આત્મહત્યા કરી હતી.અમારા કોડાયના પ્રતિનિધિના અહેવાલ મુજબ મસ્કા ગામ નજીક ગતરાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે પ્રાણઘાતક અકસ્માત થયો હતો. જી.જે.12-પી.બી.-5844 નંબરની બાઇક ઉપર જઇ રહેલા મસ્કાના રાજગોર પરિવારના પતિ-પત્ની પ્રેમજી શંકરજી અને તેમના પત્ની અરૂણાબેનના આ દ્વીચક્રીને અજાણી તુફાન જીપની ટકકર લાગી હતી. અરૂણાબેનને મોઢા અને નાકમાં ઇજા થઇ હતી. જે તેમના માટે મૃત્યુનું કારણ બની હતી. જયારે પ્રેમજીભાઇને ઇજાઓ થઇ હતી. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત બાદ અજાણી તુફાન જીપ નસાડી જવાઇ હતી. આ વાહનના ચાલક સામે ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતના પગલે ભોગ બનનારને બાગના અગ્રણીઓ મુળજીભાઇ નાકર, અરાવિંદ મોતા, અનિલ મોતા સહિતના રાજગોર સમાજના સભ્યો દોડી જઇને મદદરૂપ બન્યા હતા. બીજીબાજુ ભુજ તાલુકામાં સામત્રા ગામ નજીક ખાનગી બસની ટકકર લાગવાથી કિશોર વયના સનાવાલા સમાનો સારવાર નસીબ થાય તે પહેલા જ જીવનદીપ બુઝાયો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ હતભાગી તરૂણ ડેરીએ દુધ લેવા માટે ગયો હતો તે સમયે જી.જે.38 -ટી.- 7171 નંબરની બસથી તેને આ અકસ્માત નડયો હતો. સનાવાલાને ભુજની જનરલ હોસ્પિટલ ખસેડાયો ત્યારે ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ બાબતે મરનારના કાકા સાલેમામદ હાસમ સમાએ ફરિયાદ લખાવી હતી.દરમ્યાન ભડલી ગામના વાડી વિસ્તારમાં ખેતમજુર પરિવારની 16 વર્ષની કન્યા કોમલ ભગવાનદાસ કોળીની અકળ આત્મહત્યાની ઘટના બહાર આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગત મંગળવારે સંધ્યા સમયે આ હતભાગી ઝેરી દવા પી ગઇ હતી. ભુજ ખસેડાયા બાદ સારવાર દરમ્યાન જનરલ હોસ્પિટલમાં આજે સવારે તેણે દમ તોડયો હતો. મૃતકે કયા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોત નોંધી છાનબીન આરંભી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer