નખત્રાણામાં સફાઈનાં નામે કાંઈ થતું નથી

નખત્રાણા, તા.ર1 : પશ્ચિમ કચ્છનું મુખ્ય મથક નખત્રાણા આમ તો બારડોલી તરીકે વિખ્યાત છે. રાજકીય રીતે અનોખી તાસીર ધરાવતા આ નગરની સૌથી મોટી જિલ્લાની ગ્રામ પંચાયત છે. પરંતુ આ નગરમાં સફાઈના નામે કાંઈક કરતાં કાઈ જ થતું નથી. જયાં જુઓ ત્યાં કચરાના ગંજ, એંઠવાડ, ઉકરડાના કારણે, સ્વચ્છતાના અભાવે ગંદકી દેખાય છે. અને એટલું જ નહીં બહારથી આવતા લોકો નખત્રાણાની ખરાબ છાપ લઈને જાય છે. નખત્રાણા બસ સ્ટેશનની પાસે રંજના લોજની સામેથી મુક્તિધામ તરફ જતો માર્ગ ગંદકીથી ખદબદે છે. તો આગળ જતાં દુકાનો-વેપારી પ્રતિષ્ઠાનો છે.  તો થોડે આગળ છેલા નજીક સ્મશાન પાસે ગંદકીની ના પૂછો વાત. ગામ આખાનો કચરો-મકાનનો કાટમાળ બે રોકટોક અહીં ઠલવાય છે. બસ સ્ટેશનની પાછળ જતાં માર્ગ પર જયાં જુઓ ત્યાં કચરાના ઢગલા-નાસ્તાગૃહો, નાસ્તાની લારી-ગલ્લાંવાળાઓ દ્વારા આડેધડ ફેંકાતી એઠવાડ, માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાવે છે. આ જાહેરમાર્ગ પર પસાર થવું એટલે કોઈ ગામ-ગઢ જીત્યા બરાબર છે. પંચાયતના સફાઈ કામદારો અહીં રાખેલા કચરાની ટ્રોલીમાંથી કચરો તો ઉપાડી જાય છે, અઠવાડીયામાં એકાદ વાર! પરંતુ એંઠવાડ એમને એમ જ પડી રહે છે. તે સડે છે. દુર્ગંધ ફેલાય છે. તો લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. આને કારણે અહીં રખડતા-આખલા, ચો-પગાનો જમેલો જામે છે. આખલાઓ વચ્ચે લડાઈ થાય. આગળ જ નાસ્તાની લારીઓ ઉભે છે. ત્યાં તેમજ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓની નાસભાગ થાય. હાઈવે પર જતા વાહનો થંભી જાય છે. જિલ્લાની સૌથી મોટી ગણાતી ગ્રામપંચાયત દ્વારા કમસે કમ જાહેર માર્ગો પર થતી ગંદકી બાબતે કડક વલણ અપનાવી સ્વચ્છતા-મિશન-દેશમાં ચાલી રહ્યું છે તેને અનુસરે તોય ઘણું. હાલ કોરોનારૂપી મહામારીમાંથી માંડ છૂટકારો થયો છે ત્યારે ગ્રામપંચાયત દ્વારા બસસ્ટેશન પાછળ જતાં માર્ગ પર સફાઈ ઝુંબેશ આદરવામાં આવે તો સારૂં. અને હા, દિવાળી નજીક જ છે. દિવાળીના વેકેશનમાં બહારથી આવતા પ્રવાસીઓ અહીંથી ના.સરોવર-માતાનામઢ  તરફ જાય છે. ત્યારે નખત્રાણાની બારડોલી તરીકે શોભે તેવી સાફ-સફાઈ કરાવવાની નખત્રાણામાં જરૂર છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer