નલિયાના ઘણા વિસ્તારો પાણીથી વંચિત

નલિયા (તા. અબડાસા), તા. 21 : અબડાસાના મુખ્યમથક નલિયા ખાતે ઘણા બધા વિસ્તારોમાં પાણી પહોંચતું નથી, પરિણામે લોકોને રૂા. 350થી 400ના ભાવે ખાનગી ટેન્કરવાળું પાણી ખરીદી આર્થિક ખર્ચમાં ઊતરવું પડે છે.જનતાનગર વિસ્તારમાં મોટાભાગની ગરીબ વસાહત રહે છે. ગ્રામ પંચાયત હસ્તેનું નળજોડાણ તો છે પણ ક્યાંય પાણી આવતું નથી, તો સપનાનગર વિસ્તારમાં પણ ગ્રામ પંચાયતના નળનું પાણી પહોંચતું નથી. આમ તો આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પાણીની સમસ્યા સર્જાઇ?છે, પણ છેલ્લા ચાર માસથી તો પાણીનો ત્રાસ પરાકાષ્ટાએ પહોંચ્યો છે તેવું એ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે.આમ તો ગ્રામ પંચાયતમાં પાણી સમસ્યાની ફરિયાદબુક પણ રાખવામાં આવી છે પણ તેમાં નોંધાયેલી ફરિયાદોનો ભાગ્યે જ નીવેડો આવતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. રૂબરૂ ફરિયાદ સાંભળવા કોઇ?જવાબદાર હોતા નથી. નલિયા ગ્રામ પંચાયતમાં બે-બે તલાટી છે પણ એક મુંદરા અને બીજા ભુજથી અપડાઉન કરતા હોવાથી આ કર્મચારીઓની હાજરી અનિયમિત હોવાની બૂમ ઊઠી છે.વળી, ક્યારેક આવા જવાબદાર કર્મચારીનો પંચાયતમાં અરજદારને ભેટો થઇ જાય તો ઊઠાં ભણાવીને અરજદારને રવાનો કરાય છે. આખા ગામમાં પાણીની સમસ્યાએ ભરડો લીધો છે કેમ કે ચોથે કે પાંચમે દિવસે કનેક્શનધારકના નળમાં પાણી નસીબ થાય છે. ગ્રામ પંચાયતના તંત્રવાહકોની  અણઆવડતના કારણે દિવસાદિવસ પાણીની સમસ્યાએ તાલુકા મથકે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પાંચ વર્ષ પૂર્વે એકાંતરે પાણી અને રૂા. 60 માસિક પાણીવેરો હતો તેના બદલે હવે ચોથે કે પાંચમે દિવસે પાણી નસીબ થાય છે અને વેરો માસિક રૂા. 100 વસૂલ કરાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer