ગાંધીધામમાં મારામારીના બે જુદા-જુદા બનાવોમાં ત્રણ યુવાન, બાળક જખ્મી

ગાંધીધામ, તા. 21 : આ શહેરનાં કાર્ગો એકતાનગર તથા ઇન્દિરા નગરમાં થયેલી મારામારીના બે બનાવોમાં ત્રણ યુવાનો અને એક બાળકને ઇજાઓ પહોંચી હતી. શહેરનાં કાર્ગો એકતા નગરમાં રહેનાર દશરથ મંગા ઠાકોર (અદાણી) નામનો યુવાન ગઇકાલે રાત્રે રિક્ષા નંબર જી.જે. 12-બી.યુ.-4436 વાળી લઇને પોતાના ઘરે જઇ રહ્યો હતો. દરમ્યાન સુરેશની દુકાન પાસે પહોંચતા ત્યાં ઓટલા ઉપર બેઠેલા આરોપી દિલીપ તખા ઠાકોર અને કિશન ગગુ ઠાકોરે ધોકા મારી રિક્ષાનો કાચ તોડી નાખ્યો હતો તેમજ એક શખ્સે છરી કાઢી હુમલો કરતા આ ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી બે મહિના પહેલા થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુ એક મારામારીનો ઇન્દિરા નગરમાં બન્યો હતો. આ વિસ્તારમાં કાર ચલાવવા મુદે સામ-સામે મારામારી થઇ હતી. વિશાળ ઉર્ફે લાલો બાબુ ઠાકોર (થેરસા)એ સુનિલ ખત્રી, રાકેશ ખત્રી, હિતેશ ખત્રી, ભરત પ્રતાપ ખત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કાર ચલાવવા મુદ્દે બોલાચાલી બાદ આ યુવાન પોતાના દિકરા સાથે દુકાને આવ્યો હતો. જ્યાં આ આરોપીઓએ ધારિયા, ધોકાથી હુમલો કરતા આ ફરિયાદી અને તેના 12 વર્ષના દિકરાને ઇજાઓ પહોંચી હતી. આરોપીઓએ તેના મોપેડમાં પણ તોડફોડ કરી હતી. સામા પક્ષે આજ મુદે ભરત પ્રતાપ ખત્રીએ આ વિશાળ બાબુ ઠાકોર સામે ફરિયાદ કરી હતી. દુકાને આ આરોપીએ ધારિયા વડે હુમલો કરતા ફરિયાદી યુવાનને ઇજાઓ પહોંચી હતી. બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer