કચ્છમાં બેન્ક ઓફ બરોડા દ્વારા 92 કરોડનું ધિરાણ

કચ્છમાં બેન્ક ઓફ બરોડા દ્વારા 92 કરોડનું ધિરાણ
ભુજ, તા. 21 : બેન્કો લોકો વચ્ચે જઈ લોકલક્ષી યોજનાઓને આગળ ધપાવે તેમજ 18થી 21 વર્ષના યુવાનો ખાતા ખોલાવે અને વિમાની યોજનામાં જોડાય તે હેતુથી લીડ બેન્ક બેન્ક ઓફ બરોડા દ્વારા સમગ્ર દેશની સાથે કચ્છમાં ક્રેડિટ આઉટરિચ પ્રોગ્રામ યોજાયો હતો. ભુજની બીઓબી રિજિનલ શાખા ખાતે પત્રકાર પરિષદમાં રિજિનલ મેનેજર જગજીત કુમારે ઉપર્યુકત જણાવી ઉમેર્યું કે, સરકારની માર્ગદર્શિકા મુજબ સમગ્ર દેશની સાથે કચ્છમાં મેગા કેમ્પનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં 206 કરોડ રૂપિયાનું ધિરાણ કરાયું જે પૈકી બેન્ક ઓફ બરોડા દ્વારા કુલ્લ 92 કરોડથી વધારે રકમનું ધિરાણ કરવામાં આવ્યું. 30 ઓકટો. સુધી તમામ યુવાનોના બેન્ક ખાતાં ખોલવાનો લક્ષ્યાંક હોવાનું કહી  જનધન યોજનામાં જીરો બેલેન્સથી ખાતા ખોલાશે તેમ ઉમેર્યું હતું. હાલમાં કચ્છમાં અત્યાર સુધી 4.81 લાખ ખાતાં ખુલ્યાં હોવાનું પણ આ તકે જણાવાયું હતું. વ્યવસ્થા કપિલ ગોસ્વામી સહિતે સંભાળી હતી.આ પહેલાં ભુજના ટાઉન હોલ ખાતે સવારે ક્રેડિટ આઉટરિચ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. તમામ બેંકોના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે  પ્રાસંગિક ઉદબોધનમાં સૌએ લક્ષ્ય નક્કી કરી સરકાર દ્વારા મળતી સહાયનો ઉપયોગ કરી અને ખૂબ મહેનતથી આગળ વધવા અનુરોધ કર્યો હતો. મુખ્ય અતિથિ સાંસદ વિનોદભાઇ? ચાવડાએ જરૂરિયાતમંદ લોકોને લોન ઝડપથી આપી અને તેમને મુખ્યધારામાં સમાવેશ કરી શકાય તેમજ પ્રધાનમંત્રી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અંગત રસ લઇ કાર્ય કરવા જણાવ્યું હતું.અતિથિવિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, ડેપ્યુટી કલેક્ટર અતિરાગ ચપલોત, ચીફ જનરલ મેનેજર-બેંક ઓફ બરોડા સંજીવ ડોભાલ, ડેપ્યુટી જનરલ મેનેજર-બેંક ઓફ?બરોડા નરેન્દ્રસિંહ, રિજનલ મેનેજર-સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શ્રી ઐયર, રિજનલ મેનેજર-બરોડા ગુજરાત ગ્રામીણ?બેંક શ્રી તિવારી તથા તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં બીઓબીના રિજિનલ મેનેજર જગજીત કુમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં જેમને વિવિધ પ્રકારની લોન અપાઇ?છે તેમને સ્ટેજ પરથી મંજૂરીપત્ર તેમજ ચેકનું વિતરણ કરાયું હતું. ઉપરાંત રાજેશ પટેલ તેમજ લક્ષ્મી મિશન મંગલમ સખી મંડળને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માનિત કરાયા હતા. બેંકો દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, મુદ્રા યોજના, હાઉસીંગ લોન તેમજ નાના તેમજ મધ્યમ કક્ષાના ઉદ્યોગ માટે લોન મંજૂરી પત્રનું વિતરણ કરાયું હતું. આર.એસ.ઇ.ટી.આઇ.ના તાલીમાર્થીને પણ સર્ટિફિકેટ અપાયા હતા. આભારવિધિ રાકેશકુમાર (બેંક ઓફ બરોડા)એ કરી હતી. લીડ બેંક મેનેજર સંજયકુમાર સિંહાએ તમામ બેંકો સાથે સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer