કે.ડી.સી.સી.ને ખોટમાંથી બહાર લાવવાનું લક્ષ્ય

કે.ડી.સી.સી.ને ખોટમાંથી બહાર લાવવાનું લક્ષ્ય
ભુજ, તા. 21 : કે.ડી.સી.સી. બેંકની થયેલી ચૂંટણીમાં ફરી કમળ ખીલ્યું છે ત્યારે આજે ચેરમેન સહિતના પદાધિકારીની વરણી માટે બેઠક મળી હતી. ભારતીય જનતા પાર્ટી તરફથી ચેરમેન માટે પુન: દેવરાજભાઇ ગઢવીનું નામ નક્કી થતાં અગાઉની ધારણા પ્રમાણે ચોથી ટર્મ માટે શ્રી ગઢવી ચેરમેન વરાયા હતા. ચૂંટણી અધિકારી અને મામલતદાર સી. આર. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સર્વસંમતિથી ચેરમેન પદ માટે બેંકના વરિષ્ઠ ડાયરેક્ટર અને અમૂલના વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલે દેવરાજભાઇના નામની દરખાસ્ત મૂકતાં નરેન્દ્રસિંહ જાડેજાએ ટેકો આપતાં વરણી થઇ હતી. જ્યારે વાઇસ ચેરમેન પદે અંબાવીભાઇ વાવિયા વરાયા હતા. બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પુન: ઇન્દ્રજિતસિંહ જાડેજાની નિયુક્તિ થઇ હતી. ચેરમેન પદે વરાયા બાદ શ્રી ગઢવીએ જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય બેંકને થોડી રહી ગયેલી જૂની ખોટમાંથી બહાર લાવવાનું છે. 19 કરોડની ખોટને સરભર કરવાના પ્રયાસો ચાલે છે પરંતુ થાપણદારોની મૂડીને કોઇ આંચ ન આવે એ પણ જોવાનું છે. રૂા. 300 કરોડની ડિપોઝિટ સામે 150 કરોડનું ખેતીલક્ષી ધિરાણ આપવામાં આવ્યું છે અને છેલ્લા ત્રણ વર્ષથી બેંક નફો કરતી થઇ ગઇ હોવાથી આ માટે તેમણે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદભાઇ ચાવડા વગેરેનો તેમના પર ફરી મૂકાયેલા વિશ્વાસ બદલ આભાર માન્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer