રવી પાક માટે કચ્છ શાખા નહેરમાં 1050 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

રાપર, તા. 21 : ખરીફ પાક બાદ રવિ પાક માટે સીંચાઈની જરૂરીયાત ઉભી થતા પાણીની વ્યાપક માંગ બાદ નર્મદા નિગમ દ્વારા  કચ્છ શાખા નહેરમાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. આ ઉપરાંત માંગણાપત્રક અંગે પણ નિગમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. રવિ પાકને અનુરૂપ વાવેતર કરવા માટે જરૂરી  સિંચાઈના પાણીની વ્યાપક માંગ ઉઠી હતી. સૌ પ્રથમ 800 કયુસેકની માંગ કરાતા બે દિવસમાં પુરી કરવામાં આવી તેમજ વધારાની 300 કયુસેક પાણીની  માંગણી સામે આજે સાંજે મઢુત્રાથી કચ્છ શાખા નહેરમાં કુલ 1050 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે માંજુવાસ સ્થિત પમ્પીંગ સ્ટેશન ખાતે ત્રણ નાના પમ્પ અને ફતેહગઢ પાસે આવેલા પમ્પીંગ સ્ટેશનમાં મોડી રાત્રી સુધી બે નાના પમ્પ ચાલુ કરવામાં આવ્યા હતા. આમ  લાંબા સમયથી ખાલી રહેલી  કેનાલમાં ફરી પાણી વહેવા લાગ્યા હતાં.વાગડ રવિ સીઝન માટે પાણી મેળવવામાં રાજયમાં આગળ રહ્યું હોવાનું નર્મદા નિગમના નિવૃત ઈજનેર છગન પરડવાએ જણાવ્યું હતું.સાથો સાથ નર્મદા કેનાલ આધારીત પાણી યોજના ધરાવતા શહેર અને ગામડાઓની પણ સમસ્યા ઉકેલાઈ ગઈ છે. રાપર શહેરમાં શનિવાર સુધી પીવાના પાણીની  તંગી રહેશે તેવી વકી હતી. પરંતુ વધારાના પાણી છોડવામાં આવતા  નંદાસર પાસે કેનાલમાં પાણીનું લેવલ  વધી ગઈ હતી. આજે વાલજી વાવીયા, ભીખુભા સોઢા, નિલેશ માલી, મુખ્ય અધિકારી મયુર જોશી તેમજ કર્મચારીઓએ  નંદાસર કેનાલ ખાતે મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. પાણી  આવી જતા મોડી રાત્રી સુધી  સમ્પ ભરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. દરમ્યાન ખેડુતો માંગણા પત્ર ભરવા ઈચ્છતા હોઈ તે અંગે રજુઆત કરાતા નર્મદા નિગમ દ્વારા  પેટા વિભાગીય કચેરી ખાતે માંગણાપત્ર મોકલવાની કામગીરી કરવામાં આવશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer