બહેનો સ્વમાનભેર પોતાનું ગુજરાન ચલાવી પણ શકે છે

બહેનો સ્વમાનભેર પોતાનું ગુજરાન ચલાવી પણ શકે છે
ભુજ, તા. 21 : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા 30 વિધવા મહિલાઓને સીવણ મશીન તથા દરેકને રૂપિયા બે હજારની રાશનકિટ સદ્ગૃહસ્થ દાતાનાં સહયોગથી અર્પણ કરી શરદ પૂનમ પર્વની અનોખી ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગોવિંદભાઇ ભુડિયાએ જ્યારે અતિથિવિશેષ પદે અમૃતબેન ભુડિયા તથા નનીતાબેન કેરાઇ રહ્યા હતા.પ્રારંભે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે આવકાર આપતાં જણાવ્યું હતું કે, વિધવા અને છૂટાછેડા થયેલા બહેનો ઘરે બેસી સીવણ મશીન દ્વારા સિલાઇનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે તેમજ સમાજમાં સ્વમાન સાથે ગૌરવભેર જીવન જીવી શકે તેવા ઉદ્દેશથી સીવણ મશીન મહિલાઓને અર્પણ કરાયા છે. સંસ્થાના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, મંત્રી સુરેશભાઇ માહેશ્વરી તથા સહદેવસિંહ જાડેજાએ સદ્ગૃહસ્થ દાતાની ભાવનાઓને બિરદાવી મહિલાઓને પગભર કરવાની પ્રવૃત્તિને આવકારી હતી. દાતા પરિવારનાં ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા તથા નનીતાબેન કેરાઇનાં હસ્તે સિલાઇ મશીનો અર્પણ કરાયા હતા. દાતા પરિવારનું સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.આભારદર્શન શંભુભાઇ જોષીએ  કર્યું હતું. રમેશભાઇ માહેશ્વરી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કૈનયાલાલ અબોટી, પ્રવીણ ભદ્રાએ સહયોગ આપ્યો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer