ગાંધીધામમાં સત્તાપક્ષની બેઠકમાં સ્થાનિક નગરસેવકોની નારાજગી સપાટી પર આવી

ગાંધીધામ, તા. 21 : આ?શહેર અને સંકુલમાં લોકોના કામ ન થતા હોવાની તો અનેક ફરિયાદો ઊઠી છે, પરંતુ આજે સત્તાપક્ષની મળેલી બેઠકમાં નગરસેવકોના પણ કામ ન થતા હોવાનું બહાર આવ્યું હતું તેમજ આંતરિક અસંતોષ પણ સપાટીએ ઊભરીને આવ્યો હતો.આ શહેર અને સંકુલમાં લોકોના વિકાસના કામો ન થતા હોવાની ફરિયાદો કરી કરીને લોકો હવે થાકી-હારીને બેસી ગયા છે તેવામાં આ શહેરની પાલિકામાં સત્તાપક્ષમાં અસંતોષનો અવાજ સમયાંતરે સંભળાતો હોય છે. અમુક કામ કરવાની પદ્ધતિ, પોતાના વિસ્તારોમાં કામ ન થતા હોવાનું જાણીને અમુક નગરસેવકો તો પાલિકાના દરવાજે પણ ચડતા નથી. આવી ફરિયાદો-રજૂઆતો બાદ આજે અહીં સત્તાપક્ષના કાર્યાલયમાં એક બેઠક યોજાઇ હતી જેમાં સત્તાપક્ષના ચૂંટાયેલા તમામ 47 નગરસેવકોને બોલાવાયા હતા. આ બેઠકમાં ઝોન કક્ષાના, જિલ્લા કક્ષાના અને શહેર સંગઠનના હોદ્દેદારો આવ્યા હોવાનું આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.આ બેઠકની શરૂઆતમાં એક-એક નગરસેવકોને આ હોદ્દેદારોએ બોલાવી તેમની સમસ્યાઓ, પ્રશ્નો સાંભળ્યા હતા, બાદમાં જુદા જુદા વિભાગના ચેરમેનને બોલાવી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ઢળતી બપોરે યોજાયેલી આ બેઠકમાં અમુક નગરસેવકોએ પોતાનો બળાપો-અસંતોષ?વ્યક્ત કર્યો હતો. આવી નારાજગી અને નગરસેવકોના અનુભવ ડાયરીમાં નોંધવામાં આવ્યા હતા. બહારથી આવેલા અને સ્થાનિક નગરસેવકોને સાંભળનારા આ હોદ્દેદારો આવતીકાલે જિલ્લા કક્ષાએ બેઠક યોજશે અને જે નારાજગી બહાર આવી છે તે જિલ્લાના હોદ્દેદારો સમક્ષ?મૂકવામાં આવશે, બાદમાં આ અંગે જિલ્લા કક્ષાએથી કોઇ?યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer