સંસ્કારધામ શિલાપૂજન યાત્રાથી ચોવીસી ગાજી

સંસ્કારધામ શિલાપૂજન યાત્રાથી ચોવીસી ગાજી
વસંત પટેલ દ્વારા - કેરા (તા. ભુજ), તા. 13 : જે પરિવારે આજ દિ' સુધી સૌથી વધુ દાન આપ્યું છે તેવા મૂળ ફોટડી-કચ્છ હાલે મોમ્બાસા સ્થાયી હસમુખભાઇ કાનજી ભુડિયા દ્વારા પૈતૃક ફોટડી ગામે બહેનોના સ્વામિનારાયણ મંદિર અને ભુજ ખાતે કચ્છી લેવા પટેલ નૂતન સંકુલમાં ચતુર્થવિધ સર્જનના શ્રીગણેશ થનાર છે જેની દાન્ય રાશિ કરોડો રૂપિયામાં છે. કન્યા સંસ્કારધામ શિલાપૂજન યાત્રા તે સંદર્ભે ચોવીસીના ગામેગામ ગાજી રહી છે. શિલાન્યાસ તા. 15/10, શુક્રવારે સવારે 10 કલાક પછી ભુજ મંદિરના મહંત સ્વામી સહિતના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં યોજાશે. ઇ.સ. 1988માં કચ્છી લેવા પટેલ સમાજના તે સમયના વડીલો, દાતારો અને કર્મયોગી કાર્યકરોએ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોના સાથથી કન્યા સંસ્કારધામ છાત્રાલય શરૂ કર્યું તે સમયે અલ્પશિક્ષિત સમાજને આજની ગૌરવભરી સ્થિતિએ લાવવા શરૂઆત કરાવી હતી. અહીં અત્યાર સુધી દીકરીઓરૂપી દીવડાં પ્રગટયા છે અને તેના અજવાશે સમાજે સ્વમાનભેર સોપાન સર કર્યા છે. મોમ્બાસા નિવાસી દાનવીર હસમુખભાઇ કાનજી ભુડિયાના સૂચનથી સંસ્કારધામ, લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, ભોજનાલય-શૈક્ષણિક હોલને સમાજના નૂતન સંકુલમાં નવસર્જિત કરવાનું કાર્ય કચ્છી લેવા પટેલ સમાજે જ્ઞાતિ હિતમાં આરભ્યું છે. કોરોનાના કારણે સૌ એક સાથે એકત્ર ન થઇ શકે તેથી કન્યા સંસ્કારધામ શિલાનું પૂજન સમાજની પૂર્વ છાત્રાઓ પોતાના ગામમાં કરી શકે, સાંખ્યયોગી બહેનો અને જ્ઞાતિના સમાજપ્રેમી લોકો શિલાપૂજન કરી શકે તે માટે યોજાયેલી યાત્રા છેલ્લા બે દિવસથી ચોવીસીના ગામેગામ રથરૂપે ફરી રહી છે. જેના કારણે ચોવીસીના ગામો ગાજી રહ્યા છે. દાતા પરિવારની સમાજ જ્યોતિર્ધરરૂપી ભાવનાના ઓવારણાં લઇ રહ્યા છે. દીકરીઓ દ્વારા બેન્ડ પાર્ટીના નિનાદ સાથે ગ્રામજનો સામૈયા કરી આવકારી રહ્યા છે તે સાથે ઇ.સ. 1988થી આજપર્યંત કન્યા કેળવણી સહિત કુમારોના શિક્ષણ ઘડતરના સામાજિક કાર્યનો પ્રારંભ થઇ રહ્યો છે. મંદિરોમાં સાંખ્યયોગી બહેનો પૂજન કરી રહ્યા છે તો વડીલો આશીર્વાદ આપી રહ્યા છે. 24 ગામોની ગામદીઠ એક એક ઇંટ પૂજન પછી વિજયાદશમીના ટપકેશ્વરી રોડ ખાતેના કન્યા રતનધામ, સૂરજ શિક્ષણધામ સંકુલમાં લવાશે. આ ગ્રામજનો પોતાની ઇંટરૂપી સર્મપણ ભૂમિને અર્પણ કરી નવસર્જનમાં સમર્પણરૂપ આહુતિ અર્પણ કરશે. સમગ્ર યાત્રાને મંગળવારે કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર અને સંસ્કારધામ ખાતેથી સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા સહિતના કાર્યકરોએ શરૂ કરાવી હતી. યાત્રાનું સંકલન ટ્રસ્ટી કાન્તાબેન વેકરિયા, કંચન વરસાણી, નીમુબેન મેપાણી, દક્ષાબેન પિંડોરિયા, મનીષાબેન પટેલ, હિનાબેન કેરાઇ, ચોવીસીના મહિલા મંચ તથા સમાજપ્રેમી કાર્યકરોના સહયોગે કરી રહ્યા છે. ટ્રસ્ટના ગોપાલભાઇ ગોરસિયા, મંત્રી કેશરાભાઇ પિંડોરિયા, મનજીભાઇ પિંડોરિયા, સમાજમંત્રી ગોપાલભાઇ વેકરિયા, સહયોગી રામજી સેંઘાણી સહિતના કાર્યકરો, સંસ્થાના આચાર્યા લોપાબેન મહેતા તથા શાળા પરિવાર, છાત્રાલયના ગૃહમાતા જયશ્રીબેન પંડયા તથા સહકર્મીઓ, સંસ્થાના છાત્ર-છાત્રાઓ સહયોગ આપી રહ્યા છે. - 100 કરોડના દાતા : કેરા (તા. ભુજ), તા. 13 : કચ્છી લેવા પટેલ સમાજના ભારતના વિવિધ કાર્યોમાં 100 કરોડ જેટલી માતબર સખાવત તરફ આગળ વધી રહેલા કચ્છી દાતા હસમુખભાઇ ભુડિયા પરિવારના રતનબેન કેશવલાલ ભુડિયા, હસુભાઇના પુત્રો ધ્રુવ, કીર્તન, દર્શકના હસ્તે તા. 15/10ના શુક્રવારે સવારે 11 વાગ્યે ખાતમુહૂર્ત યોજાશે. આ પ્રસંગે ભુજ મંદિરના મહંત સ્વામી પુરાણી ધર્મનંદનદાસજી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહેશે. શિલાપૂજન યાત્રા ચોવીસી સાથે માંડવી ચારકાંધામાં પણ ફરી હતી અને કાર્યકરોએ વિશેષ આયોજન કર્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer