દેશદેવીની પતરીવિધિમાં ઈતિહાસ રચાયો

દેશદેવીની પતરીવિધિમાં ઈતિહાસ રચાયો
માતાના મઢ (તા. લખપત), તા. 13 : કચ્છ રાજ અને મઢ જાગીરના ઈતિહાસમાં પ્રથમ વખત દુર્ગાષ્ટમીએ કચ્છના રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવીએ તીર્થધામ માતાના મઢના નિજમંદિરમાં  માતાજી આશાપુરાની પૂજા કરી કચ્છના કલ્યાણ માટે લાલ ચૂંદડીની ઝોળી પાથરી પ્રાર્થના કરતાં માએ આશીર્વાદરૂપે પતરી પ્રસાદ આપ્યો હતો. આ ઐતિહાસિક બનાવના સાક્ષીરૂપ વાયુવેગા સમાચાર ફેલાતાં કચ્છભરમાં આનંદની લાગણી ફેલાઇ હતી.પાંચમના દિવસે ભુજ દરબારગઢમાંથી વિધિવત ચામર ધારણ કરી રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવી સાતમના સંધ્યા સમયે  માતાના મઢ પહોંચ્યા હતા. દુર્ગાષ્ટમીના દિવસે મા. મઢના ચાચરા કુંડ પર આવેલા ચાચરા ભવાની મંદિરે પરંપરાગત રીતે પૂજનવિધિ કરી ચામર સવારી નીકળી હતી.કચ્છના વિવિધ વિસ્તારના જાડેજા ભાયાતો, કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જોરૂભા રાઠોડ, કું. મયૂરધ્વજસિંહ જાડેજા, કું.ઇન્દ્રજિતસિંહ જાડેજા, કું. કૃતાર્થસિંહ જાડેજા, એડવોકેટ અવનિશભાઇ ઠક્કર, કિશોરસિંહ જાડેજા (વિંઝાણ), મંગલસિંહ સોઢા, સુરેન્દ્રસિંહ જાડેજા, મંદિર પ્રાંગણથી આ ચામર સવારીમાં ગુજરાતના માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રાજેન્દ્રસિંહ જાડેજા (ભુજ) તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.ચામર સવારી મંદિરે પહોંચતાં માઇભકતોના આશાપુરાજીના જયઘોષથી આખું મઢ ગામ ગૂંજી ઊઠયું હતું.એક ડઝનથી વધારે ડાકવાદકો (જાગરિયા)એ ઊલટા પગે ચાલી ચામર સવારીની શોભા વધારી હતી. ડાકની સાથે ઢોલ શરણાઇના સૂર લહેરાયા હતા. આ પતરી વિધિના ઇતિહાસમાં નવો અધ્યાય શરૂ કરનારા રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીનો પતરી પ્રસાદ ઝોળીમાં ઝીલવા માટે માતાજીના નિજમંદિરમાં નારીશક્તિનો પ્રથમ પ્રવેશ હતો. પૂજન અર્ચન બાદ માતાજીના ભૂવા ગજેન્દ્રસિંહ ચૌહાણે દેશદેવી મા આશાપુરાના જમણે ખંભે આવળ નામની વનસ્પતિનો  ગુચ્છો રાખ્યો હતો. અંદાજે ચાર મિનિટ બાદ માતાજીનો પતરીનો પ્રસાદ ઝોળીમાં પડયો હતો. પતરીનો પ્રસાદ મળ્યા બાદ રાજવી પરિવારની પરંપરા મુજબ પ્રીતિદેવીએ મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીની શુભેચ્છા મુલાકાત અને આશીર્વાદ મેળવ્યા હતા સાથે મહંતને ચાચરા કુંડે આવેલા રાજવી પરિવારના ઓતારે આવવાનું નિમંત્રણ આપ્યું હતું. તેને માન આપી મઢ જાગીરના અધ્યક્ષે જઇને ખબર અંતર પૂછ્યા હતા. આ વેળાએ ના. સરોવર મંદિરના સોનલલાલજી મહારાજ તેમજ કોટેશ્વરના મંદિરના દિનેશગિરિ ખાસ ઉપસ્થિત હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer