વરસાણા-ભીમાસર રોડના 12 કરોડ ક્યાં ગયા ?

વરસાણા-ભીમાસર રોડના 12 કરોડ ક્યાં ગયા ?
અંજાર, તા. 13 : વરસાણા-ભીમાસર-અંજાર નેશનલ હાઇવે નં. 341 પર વાહનચાલકો વર્ષોથી પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે અને આ રસ્તા ઉપર મોટા-મોટા ખાડાઓ અવારનવાર અકસ્માત સર્જીને અનેક લોકોના જાન ગુમાવ્યા હોવા છતાં સતત રજૂઆત બાદ આ રસ્તાને રિસરફેસિંગ માટે રૂા. 12 કરોડ મંજુર કરવામાં આવ્યા અને જે રકમમાંથી ભરચોમાસે અમુક ખાડાઓના પેચવર્ક કરવામાં આવ્યા હતા. પરંતુ આ કામમાં લોટ-પાણી-લાકડા જેવું કામ થયું હોવાના કારણે આ રસ્તામાં ફરીને ખૂબ જ ટૂંકા સમયમાં મોટા-મોટા ખાડાઓ પડી જતાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ઉઠયો છે. જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી. કે. હુંબલે આરોપ લગાવતા  જણાવ્યું હતું કે, આ રસ્તો નેશનલ હાઇવે તરીકે 2014માં મંજૂર કરવામાં આવ્યો છે અને તેને ફોરલેન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ લોકો સપના જ જોઇ રહ્યા છે કે કયારે આ રસ્તાનું કામ શરૂ થશે ત્યારે આ રસ્તો ફોરલેન તો ના બન્યો પરંતુ સારી રીતે રિસરફેસિંગ કરી આપવામાં આવે તો પણ  લોકોને રાહત થશે જેથી કોંગ્રેસ પક્ષના પૂર્વ વિપક્ષના નેતાની રૂએ તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે વરસાણાથી અંજાર સુધીનો 222 કી.મી. રસ્તો તાત્કાલિક ધોરણે પુરેપુરો રિસરફેસિંગ કરવામાં આવે. આ રસ્તો અંજારના ધારાસભ્યના મતવિસ્તારમાં આવે છે અને તેમનું ગામ પણ આવે છે તો આવો ખરાબ રસ્તો તેમને જોવામાં આવતો નહિં હોય. સાંસદપણ અવારનવાર આ રસ્તાઓ બાબતે સમીક્ષા બેઠકો કરે છે પરંતુ તેનું પરિણામલક્ષી કામ કેમ થતું નથી તે  પણ એક પ્રશ્ન છે. જેથી આ વિસ્તારના લોકોને તેમની યાતનામાંથી છોડાવવા માટે તાત્કાલિક રિસરફેસિંગ કરવામાં આવે અને નેશનલ હાઇવેના અધિકારીઓ આ રસ્તાની કામગીરી ચાલુમાં હોય ત્યારે તેનું સતત નિરીક્ષણ કરે અને યોગ્ય રીતે રસ્તાની કામગીરી થાય તેવી માંગ કરવામાં આવે છે. તેવું તેમણે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer