જ્યારે કિન્નરોએ રેમ્પ વોક કર્યું...

જ્યારે કિન્નરોએ રેમ્પ વોક કર્યું...
ભુજ, તા. 13 : `એકલતા પર વિજય મેળવો અને સ્મિત ફેલાવો'ના સૂત્ર સાથે ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજની બહેનો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.પ્રમુખ પલ્લવીબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ રૂા. 28,000 જેટલો ખર્ચ કરીને કચ્છના કિન્નરો માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સમાજથી અલગ પણ સમાજનો જ એક ભાગ એવા કિન્નરો કે જેમની પાસેથી ઘરમાં શુભ પ્રસંગે આશીર્વાદ મેળવવા એ એક લ્હાવો હોય છે. એમને માન-સન્માન આપવા માટે તથા તેમના ચહેરા પર સ્મિત લાવવા માટે ડાન્સ, રેમ્પ વોક તથા ગરબા જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 3-3 જણને ઈનામ આપવામાં આવ્યા હતા સાથેસાથે ઉપસ્થિત બધા જ કિન્નરોનું સન્માન કરી તેમને ભેટ આપી જમાડવામાં આવ્યા હતા.આ સમયે વ્યંઢળો ખુશ થયા હતા અને દરેક જણને આશીર્વાદરૂપે રૂપિયાના સિક્કા પોતાના તરફથી આપ્યા હતા. અલગ અલગ ઈન્નરવ્હીલ ક્લબના પ્રમુખ તથા મંત્રી પી.ડી.સી. ઉષાબેન ઠક્કર, કચ્છ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કિન્નરોને વ્યસનથી મુક્ત રહેવા તથા ભણતર અને ટેકનોલોજીને અપનાવી આગળ આવવાની વાત કરી હતી. કાર્યક્રમમાં ક્લબના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રોજેક્ટના ચેરમેન વંદના મજેઠિયા રહ્યા હતા. સંચાલન મંજુલાબેન ઉપાધ્યાય તથા સ્પર્ધાના નિર્ણાયક તરીકે ચંદ્રિકાબેન ઝરિયાવાલા તથા તેજલ તન્નાએ સેવા આપી હતી. કમળાબેન વ્યાસનો સહયોગ મળ્યો હતો તેવું મંત્રી સંધ્યાબેન વોરાની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer