આઇપીએલની ફાઇનલ કોલકાતા-ચેન્નઇ વચ્ચે

શારજાહ, તા. 13 : અહીં રમાયેલી આઇપીએલ ક્વોલિફાયર (2)ની મેચમાં છેલ્લી ક્ષણો સુધીની રોમાંચકતા પછી કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ સામે 3 વિકેટે જીત મેળવી હતી. દિલ્હીએ 5 વિકેટે 135 રન કર્યા હતા. જવાબમાં કોલકાતાએ એક દડો બાકી રહ્યો હતો ત્યારે એટલે કે 19.5 ઓવરમાં 7 વિકેટે 136 રન કરી લીધા હતા. હવે ફાઇનલ મેચ મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા વચ્ચે રમાશે. ફાઇનલ 15મી ઓક્ટોબરના રમાશે. કોલકાતાની જીત આસાન દેખાતી હતી, પરંતુ દિલ્હીએ અંતિમ ઘડીમાં મેચ પર કબજો જમાવી અનિશ્ચિતતા ઊભી કરી દીધી હતી. અંતિમ ઓવરમાં 7 રન જીતવા જોઇતા હતા અને બોલર રવિચંદ્રન અશ્વિને બે વિકેટ?ઉખાડી લીધી. જો કે, અંતે રાહુલ ત્રિપાઠીએ છગ્ગો લગાડીને કોલકાતાને જીત અપાવી દીધી હતી. કોલકાતા વતી શુભમ ગીલે 46, વેંકટેશ ઐય્યરે 55 રન કરી જીતનો પાયો રચ્યો હતો. આ પહેલાં, આઇપીએલની આજની કવોલીફાયર-2 મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સની ચુસ્ત બોલિંગ સામે દિલ્હી કેપિટલ્સ ટીમ 20 ઓવરમાં પ વિકેટે 13પ રનનો સામાન્ય સ્કોર જ કરી શકી હતી.કોલકતાના સુકાની ઇયોન મોર્ગનનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. દિલ્હીના ટોચના ક્રમના બેટધરો કોલકતાની ચુસ્ત બોલિંગ સામે ખુલીને રમી શકયા ન હતા. શિખર ધવને સૌથી વધુ 36 રન 39 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી કર્યાં હતા. આ સિવાય શ્રેયસ અય્યર 27 દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગાથી 30 રને નોટઆઉટ રહ્યો હતો. પૃથ્વી શોએ 12 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી 18 અને સ્ટોઇનિસે પણ 18 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન ઋષભ પંત (6) નિષ્ફળ રહ્યો હતો. હેટમાયર 17 રને રનઆઉટ થયો હતો. અય્યર (30) સાથે અક્ષર 4 રન અણનમ રહ્યા હતો. આથી દિલ્હીના પ વિકેટે 13પ રન બન્યા હતા. અય્યરે ઇનિંગના આખરી દડે છગ્ગો ફટકાર્યો હતો. કેકેઆર તરફથી વરૂણ ચક્રવર્તીએ 26 રનમાં બે વિકેટ લીધી હતી. ફરગ્યૂસન અને માવીને 1-1 વિકેટ મળી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer