ભચાઉમાં વેપારીના રૂા. 13 લાખ લઈ મિત્ર ફરાર થઈ ગયો

રાપર, તા. 13 : ભચાઉના હોલસેલ વેપાર સાથે આંગડિયા પેઢી ચલાવતા વેપારી સાથે તેના મિત્રએ જ રૂ. 13 લાખની છેતરપીંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર પ્રસરી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 26 સપ્ટેમ્બરથી આજ દિન સુધીના ગાળામાં બન્યો હતો. આ મામલે શાકભાજીના હોલસેલ વેપારી અને આંગડિયા પેઢી ચલાવતા દિપક ચંદુલાલ ઠક્કરે તેના મિત્ર ધવલ પ્રભુદાસ કાપડી  સામે  છેતરપીંડી સહીતની કલમો તળે ફરીયાદ નોંધાવી છે.  આરોપીએ તેના મિત્રને ફોન કરીને રૂ. 3.13 લાખની જરૂરીયાત હોવાની વાત કહી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ફરીયાદીએ સામખીયાળીમાં વીજય  ડેરીમાંથી  3.13 લાખ લઈ લેવા કહ્યું હતું. થોડી વાર બાદ ફરીયાદીના રૂ. 11 લાખનું પાર્સલ સામખીયાળી આવ્યું હતું. આ પાર્સલ ભચાઉ લઈ આવવા આરોપી  મિત્રને કહ્યું હતું. બાદમાં તે દિવસે સાંજે  ફોન કરતા લાકડીયા પહોચ્યો હોવાનું કહ્યું હતું .બાદમાં રાત્રે તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. બીજા દિવસે ઘરે જઈ તપાસ કરતા ધવલ ઘરે આવ્યો જ ન  હોવાનું માલુમ પડયું હતુ અને 11 લાખનું પાર્સલ લઈને ગુમ થઈ ગયો હોવાનું માલુમ પડયું હતું. ત્યારથી આજ દિન સુધી આરોપીનો સંપર્ક થયો નથી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer