લલિયાણામાં ખેડૂતોની સહમતી વિના વીજલાઈનનું કામ શરૂ કરાતાં આક્રોશ

ભચાઉ, તા. 13 : તાલુકાના લલિયાણા ગામમાં ખેડુતોની જમીનમાં સહમતી વિના વિજ લાઈનનું કામ શરૂ કરાતા ધરતી પુત્રોમાં આક્રોશ ફેલાયો છે.  વળતર અંગે કોઈ નિર્ણય લેવાયો ન હોઈ પુરતું વળતર મળે ત્યાર બાદ જ કામ શરૂ થાય તેવી માંગ સાથેનું આવેદન પત્ર ભચાઉ તાલુકા ભારતિય કિશાન સંઘ દ્વારા પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું છે.તાલુકાના ખેડુતોએ બહોળી સંખ્યામાં હાજર રહી આ મામલે   રજુઆત કરી હતી. ટાન્સકા  લીમીટેડ કંપની દ્વારા 400 કે.વીની ડી.સી.લાઈનના થાંભલા ઉભા કરવાની કામગીરી કરવામાં આવે છે. આ બાબતે ખેડુતોને કંપની દ્વારા કેટલું વળતર આપવામાં આવશે તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. કેટલાક ખેડુતોને અગાઉ મોટી રકમની લાલચ  આપવામાં આવી હતી. પરંતુ હવે  તે રકમ નહી મળે તેવું કંપની દ્વારા કહી દેવાયું હોવાનું આવેદનમાં જણાવાયું છે.  કિશાન સંઘ દ્વારા પુરતા વળતરની માંગ સાથે હાલ કામ બંધ કરાવવા  રજુઆત કરાઈ હતી. ખેડુતોની આજીવિકાનું એક માત્ર સાધન એવી જમીનને  કંપની દ્વારા  મનમાની કરીને પાણીના ભાવે ખરીદી છાની કામગીરી થતી હોવાનો આક્ષેપ ધરતી પુત્રોએ કર્યો હતો. પ્રાંત અધિકારી દ્વારા આ મુદે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. આ વેળાએ ભચાઉ તાલુકા ભારતિય કિશાન સંઘના પ્રમુખ ડાયડાભાઈ ચાવડા, મંત્રી  રાજેશ ઢીલા, ખજાનચી લાલજી ભાઈ, સહમંત્રી દામજીભાઈ બાળા, લલીયાણાના પુર્વ સરંપચ બીજલભાઈ ગાંગલ સહીતના આગેવાનો ખેડૂતો હાજર રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer