રાજ્ય પોલીસની રાષ્ટ્રીય એકતા બાઇક રેલી કચ્છથી

ભુજ, તા. 13 : દેશમાં નાગરિકોની સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે એ પોલીસતંત્ર તરફથી દેશમાં એકતાનો સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાત પોલીસના જવાનોની રાષ્ટ્રીય એકતા બાઇક રેલી કચ્છથી પ્રસ્થાન થશે. કચ્છના લખપતથી કેવડિયા સુધીની આ બાઇક યાત્રા 19મી ઓક્ટોબરે શરૂ થવાની હોવાથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જોડીએ આઝાદી પહેલાં 1925માં કચ્છની મુલાકાત લીધી હતી અને આ બંને મહાપુરુષો જે ગામમાં ગયા હતા ત્યાં આ રાષ્ટ્રીય એકતાનો સંદેશો પહોંચાડવામાં આવે તેવું આયોજન ગોઠવાઇ રહ્યું હોવાની માહિતી મળી છે.પ્રાપ્ત થયેલી વિગતોના આધારે  પશ્ચિમ કચ્છના પોલીસવડા સૌરભસિંઘનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ વિભાગ તરફથી સંભવત:  કચ્છમાં પહેલી આ રાષ્ટ્રીય એકતા બાઇક રેલી યોજવાની છે.ગુજરાત પોલીસ તંત્ર તરફથી યોજાનારી આ રેલીમાં રાજ્યના 25 પોલીસ જવાનો જોડાવવાના છે. તા. 19/10ના લખપત ખાતેથી પ્રસ્થાન કરી દયાપર, દોલતપર, નલિયા, કોઠારા, ડુમરા થઇને માંડવી પહોંચશે. માંડવીથી ભુજ, અંજાર, ગાંધીધામથી આગળ વધશે જે કેવડિયા પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપનું સેવ્યું છે કે, પોલીસતંત્ર નાગરિકોનો મિત્ર છે અને આ પોલીસના જવાનો નાગરિકોની વચ્ચે જઇને રાષ્ટ્રીય એકતા અંગે ઉત્સાહમાં આમલોકોને જોતરે તેવું આયોજન છે. ગામે ગામના લોકો આ અવસરમાં જોડાશે. ન માત્ર ગુજરાત પરંતુ ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ દેશની ચારેય દિશાઓમાંથી નીકળનારી રાષ્ટ્રીય એકતા રેલી 26મીએ કેવડિયા ખાતે પહોંચશે.દરેક નાગરિકોમાં જાગૃતિ લાવવાનો રેલીના માધ્યમથી પ્રયાસ કરવામાં આવશે એમ એસ.પી.એ જણાવ્યું હતું.રેલી માટે રાજ્યભરના પોલીસ વિભાગમાંથી જવાનોની પસંદગી કરવામાં આવી છે. 19મીએ  લખપત ખાતેથી જ્યારે રેલીને પ્રસ્થાન કરાવવા રાજ્યના નવા ગૃહમંત્રીને આમંત્રણ અપાશે. જો તેમની અનુકૂળતા હશે તો આવશે પરંતુ કાર્યક્રમ લખપતમાં યોજાશે તે નક્કી છે.રાજ્ય પોલીસ તરફથી કરવામાં આવેલા આ નવતર આયોજન માટે પશ્ચિમ કચ્છ પોલીસ લાયઝન સંભાળે છે. જ્યારે રેલી ભુજમાં પહોંચશે ત્યારે પણ શહેરીજનોને જોડાવવા અને જવાનોના ઉત્સાહ વધારવા કાર્યક્રમ યોજવામાં આવશે એમ સૌરભસિંઘે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer