હેરોઈન કાંડ : તપાસના ધમધમાટને લઈને ડી.આર.આઈ. કચેરી ટૂંકી પડી

ગાંધીધામ, તા. 13 : મુંદરા અદાણી બંદરે ઉતરેલા કન્ટેનરોમાંથી અધધધ 3000 કિલોગ્રામ હેરોઈન ઝડપાયા પછી તેની તપાસના ચાલી રહેલા ધમધમાટને લઈને અહીંની ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સની કચેરી ટૂંકી પડી રહી છે. એક તરફ આ હેરોઈન કાંડની તપાસ સંભાળવા રાષ્ટ્રીય તપાસ સંસ્થ એન.આઈ.એ.ની સતત હાજરી છે તો બીજી તરફ હવે ડી.આર.આઈ.ની નવાં સ્થળે કચેરી લઈ જવા તૈયારી શરૂ થઈ છે. હેરોઈનનો વિક્રમી જથ્થો ઝડપ્યા બાદથી શરૂના 15 દિવસ દરમ્યાન ડી.આર.આઈ.ને દેશભરમાં સઘન તપાસ હાથ ધરી હતી. જેના પરિપાક સ્વરૂપે અનેક દસ્તાવેજી પુરાવાઓ પણ એકત્ર કરાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ હેરોઈન કાંડમાં આતંકવાદીઓની હરકતનો અંદેશો ઉભર્યા પછી એન.આઈ.એ. તપાસના કેન્દ્રમાં આવી છે. આગળની તપાસ સંભાળતા છેલ્લા થોડા દિવસથી અહીંની ડી.આર.આઈ. કચેરી ખાતે દસ્તાવેજોની લેતીદેતીનો સિલસિલો શરૂ થયો છે. એન.આઈ.એ.ના અધિકારીઓને સોંપણી કરવાની હોવાથી હાલ તુરત આ કચેરી ટૂંકી પડી રહી છે.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ એક તરફ સ્થાનિક ડી.આર.આઈ.ની ઝીણવટભરી તપાસના આધારે દેશભરમાં ખાસ તો કાશ્મીરમાં વિવિધ સ્થળે દરોડા પડાઈ રહ્યા છે. બીજીબાજુ આતંકવાદનો ઓછાયો આ પ્રકરણમાં જણાયો હોવાથી હવે એન.આઈ.એ. તપાસ શરૂ કરશે પછી શું થાય છે તે તરફ સૌની મીટ મંડાઈ છે.ઝડપાયેલું 3000 કિલોગ્રામ હેરોઈન ક્યાં ક્યાં જવાનું હતું? કોણ કોણ તે ખરીદી શકે તે દિશામાં ડી.આર.આઈ.ની તપાસ જારી જ છે. કેટલીક સિગારેટના પેપર રોલ બનાવતી કંપનીઓ પણ ડી.આર.આઈ.ના રડારમાં હોવાનું જાણવા મળ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer