કિડાણા-તુણા વચ્ચે 39 થાંભલા ઉપરથી વીજવાયરો કાપી જવાયા

ગાંધીધામ, તા. 13 : તાલુકાના કિડાણા સબ સ્ટેશનથી અંજાર તાલુકાના તુણા વિન્ડમિલ તરફ જતી વીજ લાઈનના 39 થાંભલાઓમાંથી ચોરી થઈ હતી. આ વીજ પોલ ઉપર રહેલા ત્રણ તાર (5.94 કિ.મી.) 796 કિલો રૂા. 1,25,215ની કોઈ શખ્સોએ ચોરી કરી હતી.કિડાણામાં 11 કે.વી. સબ સ્ટેશનથી તુણા વિન્ડ મિલ તરફ જતી વિન્ડ મિલ ઈલેક્ટ્રીક ફીડર લાઈન પી.જી.વી.સી.એલ. પેટા વિભાગીય કચેરી, આદિપુર હસ્તકની છે. આ કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હિતેશ પ્રતાપ ચૂડાસમાએ ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ કચેરીમાં સહાયક ઈજનેર તરીકે ફરજ બજાવતા વી.કે. પટેલ આ લાઈનનો ગત તા. 15/9ના સર્વે કરવા ગયા હતા. જેમાં ચોરીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો.પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, કિડાણા સબ સ્ટેશનથી તુણા વિન્ડ મિલ બાજુ જતી આ લાઈનના થાંભલા નંબર 51થી 90 સુધીમાં તસ્કરોએ કાપ મૂકી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. આ 39 થાંભલાઓ વચ્ચે 1.98 કિ.મી.નો એક એવા એલ્યુમિનિયમના ત્રણ તાર લગાવવામાં આવ્યા હતા. 796 કિલો તથા 5.94 કિ.મી.ના આ ત્રણેય તાર તસ્કરોએ કાપી નાખ્યા હતા અને કોઈ મોટા વાહનમાં ભરીને રૂા. 1,25,215ની આ મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તારની આ ચોરી અંગે પંચનામું કરાયા બાદ સ્થાનિક વીજ તંત્રે ઉપરી અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી. જેના અંતે ગઈકાલે સાંજે આ બનાવ અંગે કંડલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી પવનચક્કીના તાર, વાડી, ખેતરોમાં લાગેલા વાયર, વીજ તંત્રના વાયર, ટ્રાન્સફોર્મર, જુદી-જુદી ખાનગી કંપનીઓમાંથી જુદા-જુદા સામાનની ચોરીના બનાવ વધ્યા છે. ચોરીનો આ તમામ માલ ગાંધીધામ, આદિપુર વિસ્તારમાં આવેલા ભંગારના અમુક વાડાઓમાં જાય છે જ્યાં તેનું કટિંગ કરી નાના ટુકડા કરી બારોબાર વેચી મરાતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગેરકાયદેસર રીતે ધમધમતા આવા વાડાઓની તટસ્થ અને નીતિમત્તાથી તપાસ કરવામાં આવે તો અનેક ચોરીના ભેદ ઉકેલાઈ શકે તેમ છે, પરંતુ દર મહિને પ્રસાદી મળતી હોવાથી આવું કરે કોણ તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer