પૃથ્વીનો સંપર્ક કરી રહ્યા છે એલિયન !

નવી દિલ્હી, તા. 13 : ખગોળવિદો દ્વારા બ્રહ્માંડમાં પૃથ્વી ઉપરાંત અન્ય કોઈ ગ્રહ ઉપર જીવન છે કે નહીં તે અંગે સતત સંશોધનો કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ વૈજ્ઞાનિકોએ બે અલગ અલગ તપાસમા અજીબ રેડિયો સિગ્નલ મળી આવ્યા છે. જેનાથી પૃથ્વી ઉપરાંત પણ ક્યાંક જીવન હોવાની સંભાવના વધુ મજબૂત બની રહી છે. આ રેડિયો સિગ્નલ એકદમ અલગ પેટર્નના છે અને બીજા કોઈ સિગ્નલથી મેચ થઈ રહ્યા નથી. જેને લઈને વૈજ્ઞાનિકો દ્વારા વધારે તપાસ કરવામાં આવી રહી છે. ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુદ્દે સિડની યુનિવર્સિટીની પ્રેસ રિલિઝમા પ્રમુખ લેખક જિટેન વાંગે કહ્યું છે કે નવા તરંગોમાં ખૂબ વધારે પ્રમાણમાં ધ્રુવીકરણ છે. પહેલા આવા તરંગો ક્યારેય મળ્યા નથી. વાંગે કહ્યું છે કે આ સિગ્નલ કોઈ તારામાંથી આવી રહ્યા છે. પરંતુ તેની પેટર્ન ખૂબ જ અલગ છે. વાંગ અને વિશેષજ્ઞોની એક ટીમે પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એસ્કાપ રેડિયો ટેલિસ્કોપનો ઉપયોગ કરીને તરંગોના ત્રોતની તપાસ કરી છે. સ્કૂલ ઓફ ફિઝિક્સ અને સિડની ઈન્સ્ટીટયૂટ ફોર એસ્ટ્રોનોમીના પ્રોફેસર તાલા મર્ફીના કહેવા પ્રમાણે તરંગોનો ત્રોત અદ્ભૂત હતો. પહેલા તે અદ્રશ્ય હતો અને પછી ચમકી ઉઠયો હતો. તેમના કહેવા પ્રમાણે આ વ્યવહાર ખૂબ જ અસાધારણ છે. 2020ના નવ મહિનામાં ત્રોતમાંથી છ તરંગ મેળવ્યા બાદ તેની ભાળ મેળવવા વૈજ્ઞાનિકોએ પ્રયાસ શરૂ કર્યો હતો. જો કે હજી પણ તેની ઉત્પત્તિ અને પ્રકૃતિ અંગેના સવાલો અધૂરા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer