16 મંત્રાલયના ડિજિટલ જોડાણથી વિકાસને વેગ

આનંદ કે. વ્યાસ તરફથી - નવી દિલ્હી/અમદાવાદ, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીનાં પ્રગતિ મેદાનમાં `પીએમ ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાન'નો શુભારંભ ર્ક્યો હતો.  આ પ્રસંગે તેમણે અગાઉની સરકારો પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે અત્યાર સુધી વિકાસકાર્યોમાં વિલંબ અને વિકાસકાર્યો પ્રત્યે સુસ્ત અભિગમ અપનાવીને કરદાતાઓનાં નાણાંનો વેડફાટ થતો હતો.વડાપ્રધાને કહ્યું હતું કે આપણા દેશમાં માળખાંકીય વિકાસનો વિષય મોટાભાગની રાજકીય પાર્ટીઓની પ્રાથમિકતાથી દૂર રહ્યો છે. તેમના ચૂંટણી ઢંઢેરામાં પણ એનો ઉલ્લેખ જોવા મળતો નહોતો. કેટલાક રાજકીય પક્ષો તો દેશ માટે જરૂરી માળખાંકીય સંરચના નિર્માણની ટીકા કરવામાં પણ ગર્વ અનુભવે છે, પરંતુ એ તો સર્વસ્વીકૃત છે કે ગુણવત્તાપૂર્ણ માળખાંકીય સંરચનાનું નિર્માણ નિરંતર વિકાસનો માર્ગ છે, જેનાથી અર્થતંત્ર સુદૃઢ બને છે અને રોજગાર ઉત્પન્ન થાય છે. સુનિયોજિત અને કાર્યાન્વિત વિકાસકાર્યો દ્વારા લોકોનો વિશ્વાસ જીતવાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અગાઉ, દરેક જગ્યાએ આપણને `વર્ક ઈન પ્રોગ્રેસ'નાં બોર્ડ જોવા મળતાં હતાં અને લોકો માનવા લાગ્યા હતા કે એ કામ ક્યારેય પૂરું નહીં થાય, પરંતુ અમે એમાં પરિવર્તન ર્ક્યું છે. અમે સારી રીતે યોજનાઓ તૈયાર કરી અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગતિ આણી છે.દરમ્યાન, અમદાવાદથી પ્રતિનિધિના હેવાલ મુજબ, વડાપ્રધાને આજે આર્થિક ક્ષેત્રો દ્વારા બહુસ્તરીય સંપર્ક માટે પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરી છે. નેશનલ માસ્ટર પ્લાનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.વડાપ્રધાને જણાવ્યું હતું કે જનમાળખાંકીય કામોમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપવા માટે આત્મનિર્ભરના સંકલ્પ સાથે આ પ્રોજેક્ટ આગામી 25 વર્ષ માટેની નવી બુનિયાદ પ્રસ્થાપિત કરશે, જે વિકાસ માટે નવું બળ પૂરું પાડીને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરશે. આ નેશનલ માસ્ટર પ્લાન 21મી સદીના નવા ભારતનાં નિર્માણ માટે ગતિશક્તિ આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે વડાપ્રધાને વિવિધ મંત્રાલયો, રાજ્યો અને ઉદ્યોગપતિઓને પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે પ્રગતિ મેદાન-નવી દિલ્હી ખાતે ચાર એક્ઝિબિશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.રાજ્યકક્ષાના પી.એમ. ગતિ શક્તિ લોન્ચિગ કાર્યક્રમ પ્રસંગે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં નિર્માણ થકી દેશના સર્વગ્રાહી વિકાસ માટે આંતરમાળખાંકીય સુવિધાઓ માટે જે વિચાર કરીને પ્રધાનમંત્રી ગતિશકિત પ્રોજેકટ આજે લોન્ચ કર્યો છે એ દેશના વિકાસને નવી રાહ ચીંધશે. નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે આજે 'પ્રધાનમંત્રી ગતિશક્તિ' યોજના થકી વધુ એક શક્તિ ઉમેરાઇ છે. દેશ-દુનિયામાં ગુજરાત દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે, જેની પાછળ મોદીનું દૃષ્ટિવંત વિઝન રહેલું છે. ઉદ્યોગ રાજ્યપ્રધાન જગદીશભાઈ પંચાલે જણાવ્યું હતું કે, મૂળભૂત જરૂરિયાત એવી પરિવહનને વધુ મજબૂત તેમજ ગતિ આપવા વડાપ્રધાન મોદી દ્વારા પીએમ ગતિ શક્તિ-નેશનલ માસ્ટર પ્લાનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે તે આપણા માટે ગૌરવની ક્ષણ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer