ગઢશીશામાં બંધ ઘરનો નકૂચો તોડી 69 હજારની માલમતા ચોરી જવાઇ

ભુજ, તા. 13 : માંડવી તાલુકાના ગઢશીશા ગામે કિશોરભાઇ શિવદાસભાઇ રંગાણી નામના પાટીદાર ખેડુના બંધ મકાનનો નકૂચો તોડી તેમાંથી કોઇ હરામખોરો રૂા. 68500ની માલમતા ઉઠાવી ગયા હતા. ગઢશીશામાં ઉમિયાનગર વિસ્તારમાં શેરી નંબર-1 ખાતે રહેતા ખેડૂત કિશોરભાઇ રંગાણી પરિવારના સભ્યો ગઇકાલે રાત્રે ભોજન લીધા બાદ ગામમાં ગરબી જોવા ગયા હતા ત્યારે ગતરાત્રે દશ વાગ્યાથી રાત્રિના એક વાગ્યા દરમ્યાન તેમના ઘરમાં આ ખાતર પડાયું હતું. આ બાબતે લખાવાયેલી પોલીસ ફરિયાદ મુજબ આ ઘટનામાં બંધ મકાનનો નકૂચો તોડી અંદર ઘૂસેલા તસ્કરો કબાટમાંથી રોકડા રૂા. 8500 ઉપરાંત સોનાની વીંટી, ચેઇન, પેન્ડલ, બુટી વગેરે મળી કુલ્લ રૂા. 68500ની માલમતા તેઓ ઉઠાવી ગયા હતા. ગઢશીશા પોલીસે ગુનો દાખલ કરી કેસની તપાસ હાથ ધરી છે. અલબત્ત આજે મોડી સાંજ સુધી તસ્કરો વિશે કોઇ સુરાગ મળ્યો નથી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer