રાપર-ભચાઉની વીજ સમસ્યા ઉકેલવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

ભુજ, તા. 13 : રાપર તથા ભચાઉ તાલુકાના વિવિધ વીજ પ્રશ્નો બાબતે રાજ્યના ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇ તથા પીજીવીસીએલ વિભાગના સંલગ્ન અધિકારીઓને રાપરના મોડા, દેશલપર, આડેસર,  કલ્યાણપર 66 કે.વી. સબ સ્ટેશનોના કામ બાબતે તેમજ  આ બંને તાલુકાના ગામોનો કિસાન સૂર્યોદય યોજના હેઠળ સમાવેશ કરવા, વિવિધ ગામોના  વીજપ્રશ્નો બાબતે પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.મોડા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં વીજ ભારણ નિવારવા માટે મોડા ગામે 66 કે.વી.નું સબ સ્ટેશનનું કામ પૂર્ણતાને આરે છે જેની અમુક અધૂરાશોને પૂર્ણ કરી લોકાર્પિત કરવા માટે તથા દેશલપર, આડેસર, કલ્યાણપર 66 કે.વી.ના સબ સ્ટેશનોના કામ કે જેની વહીવટી કામગીરીમાં સમય પસાર થઇ?રહ્યો છે તે તાત્કાલિક ધોરણે આ વહીવટી કામગીરીને પૂર્ણ કરી અગ્રતાના ધોરણે ખાતમુહૂર્ત કરવામાં આવે જેથી આ સબ સ્ટેશનો કાર્યરત થતાં આ વિસ્તારમાં પડી રહેલી વીજ સમસ્યાઓ નિવારવા માટે આશીર્વાદરૂપ બની રહે તેમ છે એમ તેમણે જણાવ્યું હતું. રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારના બાલાસર 66 કે.વી. સબ સ્ટેશનથી વીજ પુરવઠો મેળવતા વિવિધ ગામો તથા વાંઢોમાં છેલ્લા ઘણા સમયથી વીજ સમસ્યા અનુભી રહ્યા છે, જે આ વિસ્તારમાં કોઇપણ એક ગામમાં વીજ ફોલ્ટ થાય તો અન્ય ગામમાં પણ વીજ પુરવઠો બંધ રહેતો હોય છે તથા આ વિસ્તારની જૂની વીજરેષાઓ તથા જૂના વીજપોલ બદલવાની સાથે સાથે મોટા ગામોમાં વીજ પુરવઠામાં ખૂબ તકલીફ પડી રહી છે તે નિવારવા અનુરોધ કર્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer