કંડકટરના લાયસન્સ માટેનું ફર્સ્ટ એડ. સર્ટિ. ન આવતાં નોકરીવાંછુ ચિંતિત

નખત્રાણા, તા. 13 : એસ.ટી. કંડકટરોની ભરતી અંગેની જાહેરાત એસ.ટી નિગમ દ્વારા 2019માં થઈ હતી, તે અનુસંધાને કંડકટરોના લાઈસન્સ માટેનું ફર્સ્ટ એડ (મેડિકલ સારવારનું) સર્ટિ. ઘણા સમયથી ન આવતાં નોકરીવાંછુઓ ચિંતિત બન્યા છે.કંડકટર તરીકેની ભરતી અંગે સરકાર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. તે સમયે ઘણા યુવકો અને યુવતીઓએ ફર્સ્ટ એડ.ના સર્ટિફિકેટ કઢાવ્યા હતા અને તેની પહોંચ પર લાઈસન્સ અને બેઝ પણ નીકળી ગયા છે, પરંતુ તેની વેલિડીટી હવે પૂરી થઈ ગઈ છે, પણ ફર્સ્ટ એડ.નું સર્ટિ. હજુ સુધી આવ્યું નથી.કંડકટર તરીકેની પરીક્ષા લેવાઈ ગઈ અને નજીકના સમયમાં તેનું પરિણામ પણ બહાર પડશે ત્યારે પરીક્ષાર્થીઓને કાગળ ચકાસણી માટે એસ.ટી. નિગમનું વહીવટી તંત્ર શું માન્ય ગણશે ? તેની ચિંતા ફેલાઈ છે. આ અંગે ભુજ હોસ્પિટલનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ફર્સ્ટ એડ. સર્ટિ. કયારે આવશે તેની માહિતી અમારી પાસે નથી. તેમજ આ બાબતે અમો કશું કહી શકીએ નહીં. તો આ બાબતે એસ.ટી. વહીવટ પણ કોરોનાની મહામારીના કારણે સર્ટિફિકેટ ન આવવાના કારણે જે સર્ટિ.ના પહોંચ નવેમ્બર 2019ની ચકાસણી વખતે માન્ય ગણશે તો  પરીક્ષાર્થીઓને રાહત રહેશે. જેથી રાજ્ય સરકાર અને એસ.ટી. નિગમ આ પ્રશ્ને નિર્ણય લઈ તાત્કાલિક યોગ્ય કરે તેવી પરીક્ષાર્થીઓની માગણી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer