ગાંધીધામનું આંબેડકર કન્વેન્શન સેન્ટર જાન્યુઆરીમાં તૈયાર થઈ જવા શક્યતા

ગાંધીધામનું આંબેડકર કન્વેન્શન સેન્ટર જાન્યુઆરીમાં તૈયાર થઈ જવા શક્યતા
ગાંધીધામ, તા. 13 : શહેરના ટાગોર રોડ ઉપર ડીપીટી મેદાનમાં નિર્મિત ડો.બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરની ગાંધીધામના ધારાસભ્ય સહિતના પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ વિગતો મેળવી હતી. અંદાજીત રૂા. 28.84 કરોડના ખર્ચે તૈયાર થતુ આ ભવન 36000 ચો.મીમાં પથરાયેલું છે.વર્ષ 2016ના તત્કાલિન શીપીંગ મંત્રી  દ્વારા  આ ભવન નિર્માણની જાહેરાત કરાઈ હતી. મલ્ટી એકિટીવીટી બોકસ સ્ટ્રકચર સાથે સંપૂર્ણ વાતાનુકુલિત, સુંદર પેનલથી સજાવટ સાથે અલગ શૈલીથી તૈયાર થઈ રહયુ છે. બહારના ભાગે લેન્ડસ્કેપ લોન તથા વૃક્ષોનો સમાવેશ કરાયો છે અને બેકઅપ પાવર જનરેટરની પણ વ્યવસ્થા કરાઈ છે.આ ભવનમાં અંદાજીત 2 હજાર જેટલા વ્યકિતઓનો સમાવેશ થઈ શકશે તથા બહારની બાજુએ વધારાના 500 વ્યકિતઓને સમાવી શકાશે. આ સંકુલના વિકાસને કારણે જુદા-જુદા  સમાજ, સંસ્થાઓ તથા આર્થિક રીતે નબળા વિભાગના સમૂહો તેમના સામાજીક કાર્યક્રમોની ઉજવણી ગૌરવ અને સન્માનપૂર્વક કરી શકશે.ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભાજપના શહેર પ્રમુખ પંકજભાઈ ઠકકર, સુધરાઈ પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ઉપપ્રમુખ બળવંતભાઈ ઠકકર, જીડીએના પૂર્વ ચેરમેન મધુકાંન્તભાઈ શાહ,સુરેશભાઈ શાહ, મોમાયાભા ગઢવી,વિજયસિંહ જાડેજા સહિતનાએ હાજર રહીને ડીપીટીના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરી વિગતો મેળવી હતી. અધિકારીઓએ આ ભવન ચાલુ વર્ષે ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહીનાના અંત સુધી તૈયાર થઈ જવાની શકયતા દર્શાવી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer