અંજારમાં સેવાકીય પ્રવૃત્તિઓ બદલ સંત પેટ્રન સભ્ય બન્યા

અંજારમાં સેવાકીય પ્રવૃત્તિઓ બદલ સંત પેટ્રન સભ્ય બન્યા
અંજાર, તા. 13 : ભારત વિકાસ પરિષદ અંજાર શાખા શહેરમાં છેલ્લા 8 વર્ષથી વિવિધ સંસ્કાર, સેવાકીય તથા પર્યાવરણને લગતા કાર્યો કરીને શહેરીજનોને મદદ કરવાનું કાર્ય કરી રહી છે. 35 સભ્યોથી શરૂ થયેલી આ સંસ્થામાં અત્યારે શહેરના વિવિધ વર્ગો તથા વ્યવસાય સાથે સંકળાયેલા 105 સભ્યો જોડાયેલા છે. શહેરના એક એવા જ પ્રતિષ્ઠિત, વિવિધ સેવાકીય કાર્યોમાં હંમેશાં અગ્રસેર અને દરેક તબક્કાના લોકોના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજને ભારત વિકાસ પરિષદ-અંજારના પ્રથમ `પેટ્રન સભ્ય' બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ત્રિકમદાસજી મહારાજે જીવદયાના હિમાયતી હોતાં અને ગૌધનની સેવા અર્થે અંજારમાં ગુજરાત રાજ્યની પ્રથમ નંદી શાળા શરૂ કરી છે, જેમાં 500 નંદીઓનો નિભાવ થઇ રહ્યો છે. તદુપરાંત ગાયોની સારવાર માટે સંવેદના ગ્રુપના માર્ગદર્શક રહીને ગૌધન માટે અનેક સેવાકીય કાર્યો પણ હાથ ધરી સતાપરમાં આવેલ ગોવર્ધન પર્વત ખાતે 8000 કરતાં વધુ વૃક્ષ ઉછેરનું ભગીરથ કાર્ય પણ કર્યું છે. સાથેસાથે ભુજમાં સરકારના ડ્રીમ પ્રોજેક્ટ `સ્મૃતિવન' ભુજિયા ડુંગર પર હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન કર્યું છે. દરરોજ દરિદ્રનારાયણની સેવા જેવા અનેક સેવાકાર્યો તો ખરા જ. ભારત વિકાસ પરિષદ-અંજાર દ્વારા ત્રિકમદાસજી મહારાજને `પેટ્રન સભ્ય'નું બિરુદ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જયશ્રીબેન ઠક્કર અને દીપ્તિબેન પંડયાએ મહારાજનું સ્વાગત કર્યું હતું. સંસ્થાના પ્રમુખ ડો. કલ્પેશ સોરઠિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ સંસ્થાના સભ્ય ડી. સી. ઠક્કર દ્વારા પરિચય અપાતાં તેમના દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે અવગત કરાવાયું હતું. સંસ્થાના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ જાડેજા અને સંદીપ પટેલ તેમજ સ્થાપક પ્રમુખ ડો. અમિત પટેલે પ્રતીક ભેટ વડે સન્માન કર્યું હતું. મંત્રી ડો. પરેશ દેત્રોજાએ પ્રશસ્તિપત્ર એનાયત કર્યું હતું. સંચાલન દીપેનભાઇ પંડયાએ કર્યું હતું તેમજ અમિત સોની, કિશન સોની, પાર્થ સોરઠિયા, બિપિન સોલંકી, જતિન પારેખે સહયોગ આપ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer