કાયદાના છાંયડાથી સ્વરક્ષણ અને સમાનતા મળતી હોવાની શીખ અપાઇ

કાયદાના છાંયડાથી સ્વરક્ષણ અને સમાનતા મળતી હોવાની શીખ અપાઇ
અંજાર, તા. 13 : તાજેતરમાં અંજાર કાનૂની વિકાસ સમિતિના નેતૃત્વ હેઠળ કાયદાના ફાયદા વિષય પર અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એચ. બી. પલણ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ તથા સંસ્થા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ સી. એસ. પલણે સેમિનારના મુખ્ય વક્તા એડ. અનિલભાઇ બાંભણિયા અને  એડ. ગોપાલભાઇ ડાંગરને સંસ્થા વતી શાલ વડે સન્માનિત કર્યા હતા. કોલેજના એડવાઇઝરી ટ્રસ્ટી કે. સી. શાહ દ્વારા વિપુલભાઇ ચૌહાણને પ્રતીક ભેટ અર્પણ કરાઇ હતી. આ સેમિનારમાં 150થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાયદાના છાંયડાથી સ્વરક્ષણ અને સમાનતા મળે છે તેવું શ્રી બાંભણિયાએ જણાવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને કન્ઝ્યુમર પ્રોટેક્શન એકટ, સાઇબર ક્રાઇમ પ્રોટેક્શન એક્ટ તેમજ આર.ટી. એક્ટ 2020 વિશે માહિતી અપાઇ હતી. શ્રી ડાંગરે કાયદાના પ્રકારો, સાર્વજનિક કાયદા, વ્યક્તિગત કાયદા અને કાયદા દ્વારા સમાન સુરક્ષા પર ભાર મૂકી વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. ઇન્ચાર્જ આચાર્ય તથા કેમ્પસ કો-ઓર્ડિનેટરે યોગ્ય ન્યાય અને સ્વતંત્રતા સાથે કાયદાઓનું ચોક્કસ પાલન થાય તેની સમજ વિદ્યાર્થીઓ પાસે પહોંચાડવા લાગણી વ્યક્ત કરી હતી. આ સેમિનાર યોજવા બદલ સંસ્થાના માનદ્મંત્રી પી. એલ. પંડયાએ શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરી યોજાઇ હતી. શાળા વિભાગના આચાર્ય એસ. કે. ચૂડાસમા, ડો. ફરીદ ખોજા તથા અધ્યાપકોનો સહકાર સાંપડયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer