રાજ્ય ધોરીમાર્ગના મથલ પાસેના પુલમાં ગાબડું પડતાં તાત્કાલિક નવો બનાવો

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 13 : લોકો અને સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના ભુજથી લખપત રાજ્ય ધોરીમાર્ગ પર નખત્રાણા તાલુકાના મથલ નજીક આવેલા મેજર પુલમાં ગાબડું પડયું છે તેથી તાત્કાલિક નવો બનાવવા અને તે દરમ્યાન ડાયવર્ઝન કાઢવા મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રીને ધારાસભ્યે રજૂઆત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અબડાસા વિધાનસભા વિસ્તાર રાજ્ય ધોરીમાર્ગ દેશના બીએસએફ, આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ, કસ્ટમ, મરીન સિકયુરિટી વગેરે સુરક્ષા દળો તેમજ પાનધ્રો, લિગ્ના. પ્રોજે., ઉમરાસર, લિગ્ના. પ્રોજે. માતાના મઢ લિગ્ના. પ્રોજે. સાંઘી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, છેર-અકરી પાવર પ્લાન્ટ તેમજ માતાના મઢ, નારાયણ સરોવર,  લખપત ગુરુદ્વારા, હાજીપીર દરગાહ અને યુદ્ધભૂમિ ઝારા વગેરે જેવા પ્રવાસન અને યાત્રાધામો માટે પ્રવાસીઓના આવાગમન માટેનો પણ ખૂબ જ ઉપયોગી માર્ગ છે. નખત્રાણા તા.ના મથલ ગામ પાસેના મેજર પુલમાં છેલ્લા પાંચેક દિવસથી ગાબડું પડતાં સરકાર વતી કચ્છ કલેકટર દ્વારા જાહેરનામાં દ્વારા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે, પરંતુ આ પુલ પર છેલ્લા પાંચેક દિવસથી ગાબડું પડયું હોવા છતાં આ માર્ગ પર ડાયવર્ઝન બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગંભીરતા લેવામાં આવી નથી તેમજ કોઇપણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ માર્ગનો બીજો કોઇ વિકલ્પ નથી, પણ આ માર્ગ પર ડાયવર્ઝન બને ત્યાં સુધી આ માર્ગ નજીક મથલથી હાજીપીર ફાટક સુધીનો વચ્ચેનો 40 વર્ષ જૂનો માર્ગ જે પાણીમાં ડૂબેલો રહે?છે પણ જ્યાં સુધી ડાયવર્ઝન ન બને ત્યાં સુધી આ માર્ગ રિપેરિંગ કરી અને ખાલી વાહનો માટે શરૂ કરી શકાય તેમ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer