સરકારના સાથ-સહકારથી મહિલાઓ અગ્રેસર બની

સરકારના સાથ-સહકારથી મહિલાઓ અગ્રેસર બની
ભુજ, તા. 13 : વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ બિદડા ખાતે બી.બી.એમ. હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી. ઉપરાંત રામમંદિર ખાતે સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધન કરતાં ડો. નીમાબેને જણાવ્યું હતું કે, વડાપ્રધાન દેશના લોકોને જે દીકરીઓને ભણાવવાની ભિક્ષાયાચના કરી હતી તે ખરેખર સાર્થક બની રહી છે. સરકારના સાથ-સહકારથી આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રે નામના મેળવી રહી છે. શાળામાં દીકરીઓને કરાટે શીખવાડવાની પ્રવૃત્તિ અંગે ખુશીની લાગણી વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓને મહેનત કરવાની પ્રેરણા આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત શાળા પરિવાર, ટ્રસ્ટીઓ તેમજ અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રામમંદિર ખાતે યોજાયેલા સન્માન કાર્યક્રમમાં 25 ધાર્મિક, સામાજિક, રાજકીય સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના વોરિયર્સ નર્સિંગ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, આશાવર્કર તેમજ પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રસીકરણનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ નીલેશભાઈ, અગ્રણી દિલીપભાઈ દેશમુખ, પંકજભાઈ શાહ, જયંતીભાઈ તેમજ મામલતદાર શ્રી મારૂ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં અધ્યક્ષાએ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer