સંવેદનશીલ ગામમાં ઘેરઘેર તાવનો એક કેસ

સંવેદનશીલ ગામમાં ઘેરઘેર તાવનો એક કેસ
ભુજ, તા.13 : સતત વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલમાં પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વ્યાપક પ્રમાણમાં થયો છે. તેના કારણે કચ્છના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય અને વાયરલ તાવના કેસ વધી ગયા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ઘરે ઘરે એકાદ કેસ હોવાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે.મચ્છરજન્ય રોગના દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે ત્યારે કોરોનામાં જે રીતે આયુર્વેદ તંત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આગળ આવ્યું હતું તે રીતે આ રોગચાળાને કાબૂમાં લેવા માટે પણ આયુષ વિભાગના નિયામક ડો. જયેશ પરમાર તથા જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ખાસ આયોજન અંતર્ગત જિલ્લાના મેલેરિયા અતિ સંવેદનશીલ ગામો ભુજ તાલુકાના ધોરડો તેમજ સાડઈ, નખત્રાણા તાલુકાના રસલિયા, ઉગેડી, આમારા, લુડબાય તેમજ લખપત તાલુકાના મેઘપર ગામે મેલેરિયા નિર્મૂલન માટે ફાળવાયેલા મહાસુદર્શન ઘનવટી, સપ્તપર્ણ ઘનવટી, અને સંશમની વટીનું વિતરણ આશા બહેનો મારફતે કરવામાં આવ્યું હતું. ગામોમાં આ દવા-વિતરણથી વર્ષ 2020માં જુલાઈથી સપ્ટે સુધીમાં 19 મેલેરિયા પોઝીટીવ કેસ નીકળ્યા હતા. જે વર્ષ 2021માં જુલાઈથી સપ્ટે. માસ સુધી એક પણ મેલેરિયા પોઝીટીવ કેસ નીકળ્યા નથી. આયુર્વેદ શાખા દ્વારા આ બાબતનું દ્રશ્ય-શ્રાવ્ય દસ્તાવેજીકરણ કરાયું છે.કચ્છના 20 આયુર્વેદિક દવાખાના દ્વારા મેલેરિયા પ્રતિરોધ ચિકિત્સા અંતર્ગત આ દવાઓનું વિતરણ ભુજ, કોટડા ઉગમણા, કોટડા આથમણા, પધ્ધર, સુખપર, સણવા, નાગતર, આડેસર, મોડા, કરકલીયાવાંઢ, પદમપર, શાનપર, રાપર, રસલિયા, આમારા, લુડબાય, ઉગેડી, રામપર, સાંધવ, ભારાપર ધૂફી, વરસામેડી, અંજાર, ચંદિયા, વિજયનગર, ભલોટ, મખિયાણ, કુંદરોડી, પત્રી, વાઘુરા, વાંકી, વિથોણ, નખત્રાણા, થરાવડા, નારાયણ સરોવર, વર્માનગર, પાનધ્રો, વાયોર, બાલાચોડ, નલિયા, જખૌ, મેઘપર વગેરે ગામોમાં આશરે 12,741 લોકોને કરાયું હતું. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધે તેવા ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આયુર્વેદના પ્રચાર-પ્રસાર અર્થે આઝાદીકા અમૃત મહોત્સવ પ્રસંગે 12 મેગા કેમ્પના આયોજન પૈકી અંજાર અને નખત્રાણા તા.ના થરાવડામાં થઈ ગયા હોવાનું જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પવન મકરાણીએ જણાવ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer