જાણીતા નાટયકાર, લેખક, દિગ્દર્શક વિનોદ અમલાણીનાં નિધનથી શોક

જાણીતા નાટયકાર, લેખક, દિગ્દર્શક વિનોદ અમલાણીનાં નિધનથી શોક
ભુજ, તા. 13 : છેલ્લા સત્તર વર્ષોમાં ત્રેવીસ જેટલી શિબિરોમાં કચ્છના યુવાઓ અને કલાકારોના ઘડતરમાં અનન્ય યોગદાન આપનાર, કચ્છના 5000 ઉપરાંત યુવા કલાકારોને ઘડનાર, જાણીતા નાટયવિદ વિનોદ અમલાણીએ જીવનના રંગમંચ પરથી અણધારી એક્ઝિટ લીધી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કાર્યરત વિનોદભાઈનું પ્રદાન કચ્છના નાટયજગત માટે પ્રેરક બની રહેશે. નાટયકાર, વક્તા, લેખક સ્વ. અમલાણીએ કચ્છની જાણીતી સંસ્થાઓ વિઝ્યુઅલ આર્ટ્સ અને વી.આર.ટી.આઈ. સાથે છેલ્લા સત્તર વર્ષથી સંકળાયેલા હતા. છેલ્લા પંદર વર્ષથી પ્રતિ વર્ષ ગોકુલ રંગભવન, માંડવી ખાતે વિશ્વ રંગભૂમિ દિવસમાં તેઓ માર્ગદર્શક રહ્યા હતા. તેઓ કચ્છમિત્ર, કચ્છ યુનિવર્સિટી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા યોજાતી જાણીતી સ્પર્ધા સ્પીકર ઓફ કચ્છના નિર્ણાયકગણ પેનલના સભ્ય તરીકે પણ તેઓ સેવા આપતા હતા. વિઝ્યુઅલ આર્ટ્સ સંચાલક ડો. આર.વી. બસિયા, વી.આર.ટી.આઈ.ના ગોરધન પટેલ `કવિ', જી.કે. એન્ડ એમ.કે. મસ્કતવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ભરત વેદ તથા પ્રવીણભાઈ વીરા, વિઝ્યુઅલ આર્ટ્સના કલાકારો, કિશનસિંહ જાડેજા, વિશાલ સાધુ, હરેશ ફુફલ, આશા સાધુ, મહેશ મોતા વગેરે શ્રદ્ધાંજલિ આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer