માત્ર કબૂલાતથી ગુનો પૂરવાર ન ગણાય

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત હાઇકોર્ટમાં આજે અનોખા કેસની સુનાવણી થઇ હતી. જેમાં 10 વર્ષથી પતિની હત્યાના કેસમાં સજા ભોગવી રહેલી મહિલાની સજા કોર્ટે માફ કરી છે. આ પાછળનું મુખ્ય કારણ આપતા કોર્ટે નોંધ્યું હતું કે `ગુનાની કબૂલાત કરવા માત્રથી ગુનો પુરવાર થયેલો ગણાય નહિ.'કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, ગુનો સાબિત કરવા માટે માત્ર કબૂલાત જ જરૂરી નથી પણ સંજોગો આધારિત કેસમાં પુરવાઓની કડી પૂર્ણ થવી જરૂરી છે. આમ હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટે આપેલો ચુકાદો રદ્દ કરી મહિલાની સજા માફ કરી હતી. હાઇકોર્ટે 50 વર્ષીય ભુજની મહિલાને નિર્દોષ છોડવાનો હુકમ કરતાં હવે એક દાયકા બાદ મહિલાને જેલમાંથી છુટકારો મળશે. આ કેસની વિગત એવી છે કે મહત્વનું છે, વર્ષ 2011માં ભુજમાં ઘરકંકાસથી કંટાળીને પત્નીએ પોતાના પતિને ચપ્પુના 32 ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાના આરોપ સાથે મહિલાને ટ્રાયલ કોર્ટે સજા આપી હતી. 2013માં ભુજ સેશન્સ કોર્ટે મહિલાને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે મહિલાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મફત કાનૂની સહાય વતી એડવોકેટ દીપિકા બાજપાઈએ મહિલાનો કેસ લડતા હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. પતિને ચપ્પુના 32 ઘા મારીને મોતને ઘાટ ઉતારવાના ચકચારી કિસ્સામાં હાઇકોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને પત્નીને ટ્રાયલ કોર્ટે કરેલી સજા હાઇકોર્ટે રદ્દ કરી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer