મેઘપર (બો.)ની કંપનીમાંથી થયેલી ચોરી અંગે ત્રણની ધરપકડ

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે ત્રણ શખ્સોની અટક કરી તેમની પાસેથી રૂા. 15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મેઘપર બોરીચીની સીમમાં આવેલી જીનસ કંપનીમાં ગત તા. 24/9ના ચોરીનો આ બનાવ બન્યો હતો. જે અંગે તા. 10/10ના પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ચોરીનો આ બનાવ તા. 9/10ના પ્રકાશમાં આવતાં કંપનીમાં લાગેલા સીસી ટીવીના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં કંપનીની પાછળની બાજુથી ત્રણ શખ્સો ઘૂસ્યા હોવાનું બહારઆવ્યું હતું.વરસામેડી બાજુથી અંજાર તરફ આવતી એક ગાડીમાં અમુક શખ્સો ચોરીનો માલ વેચવા આવી રહ્યો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી, તેવામાં બોલેરો પિકઅપ  ગાડી નંબર જી.જે. 12 બી.એક્સ.-0733 આવતાં તેને રોકાવાઇ હતી. આ ગાડીના ઠાઠામાં તપાસ કરાતાં તેમાં વાયરના ટુકડા, એલ્યુમિનિયમની પાતળી પટ્ટીઓ વગેરે ભંગાર દેખાયો હતો. આ ભંગાર અંગે પૂછપરછ કરાતા ગાડીમાં  સવાર ત્રણ શખ્સોએ બરોબર જવાબ ન આપતાં તેમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરાઇ?હતી, જેમાં આ શખ્સોએ આ ભંગારની જીનસ કંપનીમાંથી ચોરી કરી હોવાની કેફિયત પોલીસ સમક્ષ?આપી હતી. ગાંધીધામના મહેશ્વરીનગર ઝૂંપડા વિસ્તારમાં રહેતા નવીન વાલજી બુચિયા, સેક્ટર-6માં રહેતા નીતિન ગોવિંદ ધોરિયા તથા ભચાઉ શિકારપુરના અકબર હુસેન ત્રાયાની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રૂા. 15,000નો મુદ્દામાલ તથા ગાડી કબજે લેવામાં આવી હતી. તેવું પોલીસે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer