લાંચના કેસમાં ચાર્જશીટ બાદ પણ જખૌના પોલીસ કર્મીની જામીન અરજી ફગાવાઇ

ભુજ, તા. 13 : કોરોનાના સમયગાળા દરમ્યાન જાહેરનામાં ભંગ સંબંધી કેસમાં પરિવારના અન્ય સભ્યોને ફિટ કરી દેવાની ધાકધમકી સાથે લાંચની માગણી કર્યા બાદ પકડાયેલા જખૌ (અબડાસા)ના હેડ કોન્સ્ટેબલ રોહિતકુમાર હરજીભાઇ મકવાણા માટે કેસના ચાર્જશીટ બાદ કરવામાં આવેલી નિયમિત જામીન અરજી પણ જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. અત્રેના ત્રીજા અધિક સેશન્સ જજ એમ.એમ.પટેલ સમક્ષ કેસના ચાર્જશીટ બાદ મૂળ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વતની હેડ કોન્સ્ટેબલ રોહિત મકવાણા માટે નિયમિત જામીન અરજી મુકાઇ હતી. ન્યાયાધીશે બન્ને પક્ષને સાંભળી આધાર-પુરાવા તપાસી જામીન નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer