ભાદરવે મેઘના અષાઢી રંગ : કચ્છમાં 1થી 7 ઈંચ

ભાદરવે મેઘના અષાઢી રંગ : કચ્છમાં 1થી 7 ઈંચ
ભુજ, તા. 23 : જેઠ માસમાં કચ્છને પલાળીને વધુ વરસવાની આશાઓ જીવંત કરીને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસવા નીકળી ગયેલા મેઘરાજાએ ચારેક મહિનાના અંતરાલ પછી શ્રાદ્ધ પક્ષમાં દક્ષિણ-પૂર્વીય રાજસ્થાનમાં સર્જાયેલી ચક્રાવાતની સ્થિતિની અસર તળે કચ્છ તરફ વહાલનાં વાદળો વરસાવવા મંડતાં મોસમમાં પહેલીવાર અને હૃદયને ઠારે તેવો સચરાચર વરસાદ વિતેલા 24 કલાકથી સરહદી કચ્છની આંતરડી ઠારી રહ્યો છે. જ્યાં દુકાળની દહેશતના ડાકલા વાગતા હતા એ પૂર્વીય કચ્છના પ્રાંથળ વિસ્તાર પર તો રંગેચંગે ઊતરી પડેલા મેહુલિયાએ બુધવારની આખી રાત વરસીને સાતથી આઠ ઇંચ પાણી ઠાલવી દેતાં મોસમના પહેલા જ વરસાદે અનેક પ્રશ્નો ઉકેલી દીધા હતા. રણકાંધીના બેલાથી બાલાસર સુધી એકીધારની આ મેઘમહેર આખેઆખા પ્રાંથળના ડેમ, તળાવ, ચેકડેમ, સીમતળાવ, ખેતરો ભરચક પાણીથી ભરી દેતાં હવે શિયાળુ પાકમાં બધી જ કસર કાઢી લેવા ધરતીના તાતે કમર કસી લીધી છે. આજના વરસાદે ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક શાંત વહાલ વરસાવ્યો હતો. મુંદરા તા.ના બગડા ગામે વીજળીએ એકનો જીવ લીધો હતો.વાગડને કેન્દ્રમાં રાખીને વરસેલા આ ભરભાદરવાના શ્રીકાર વરસાદે રાપર શહેર પર ચાર ઇંચ પાણી વરસાવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમના આંકડા અનુસાર અંજારમાં 76 મિ.મી. (ત્રણ ઇંચ), અબડાસામાં 8 મિ.મી., ગાંધીધામમાં 20 મિ.મી. (એક ઇંચ), નખત્રાણામાં 93 મિ.મી. (ચાર ઇંચ), ભચાઉમાં 7 મિ.મી., ભુજમાં 25 મિ.મી. (એક ઇંચ), મુંદરામાં 14 મિ.મી. (અર્ધો ઇંચ), રાપરમાં 65 મિ.મી. (અઢી ઇંચ), માંડવીમાં 18 મિ.મી. (અર્ધો ઇંચ) અને લખપતમાં 26 મિ.મી. (એક ઇંચ) સત્તાવાર વરસાદ નોંધાયો છે. કંટ્રોલ રૂમના આંકડા કરતાં પણ વરસેલો વરસાદ ગ્રામ્ય ક્ષેત્રમાં અને સીમતળમાં ખૂબ વધુ હોવાનું જણાવતાં તાલુકા પ્રતિનિધિઓએ આપેલી વિગતો કહે છે કે મોડે મોડે મહેરબાની વરસતાં કચ્છડો હવે ન્યાલ થઇ ગયો છે. સૌથી વધુ વરસાદ રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારમાં અંદાજે સાતથી આઠ ઇંચ થયો છે. જિલ્લા મથક ભુજમાં બપોરે શાંતિપૂર્વક વરસેલા મેહુલિયાએ જોતજોતાંમાં દોઢથી બે ઇંચ પાણી વરસાવ્યું હતું. પરિણામે હમીરસરની આવ તો શરૂ થઇ જ હતી, સાથોસાથ રળિયામણો એવો પાલરધુના પણ ફરી એક વખત જીવંત થયો હતો. ધુનારાજા તો છલકાવાને આરે આવી ઊભો હતો. ખારી નદીએ પણ ધૂંધાટ કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે બપોરે ત્રણથી ચાર વાગ્યા દરમ્યાન આખેઆખા જિલ્લા પર વરસાદી વાદળો છૂટા હાથે વરસતા હતા. સીમાડાઓમાં નદી-નાળાં પણ કલરવ સાથે વહેવા મંડયા હતા. શ્રાદ્ધ પક્ષમાં આષાઢી માહોલ સર્જીને વરસેલો વરસાદ રાપર બાદ નખત્રાણા પંથક પર વધુ વહાલ વરસાવી ગયો હતો.- નખત્રાણામાં ધોધમાર 4 ઇંચ : પ્રતિનિધિ અશ્વિન જેઠીના વિસ્તૃત હેવાલ અનુસાર લાંબા સમયના વિરામ બાદ પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણામાં ગુરુવારે બપોરે માત્ર બે કલાકમાં ચાર ઇંચ જેટલો મુશળધાર વરસાદ પડતાં નગર આખું પાણી પાણી થયું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણેક ઇંચ વરસાદ પડતાં લોકો આનંદથી ઝૂમી ઊઠયા હતા. આ વરસાદના કારણે નદી-નાળાં-છેલા વરસાદી પાણીથી બે કાંઠે આવ્યા હતા. વાહનવ્યવહાર ખોરવાયો હતો. નખત્રાણાના શિવનગર, મણિનગર તરફ પાણી ભરાતાં ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં. લાંબા સમયથી હળવાથી મધ્યમ ઝાપટાંના દોર વચ્ચે હવામાન વિભાગની સતત આગાહી બાદ આજે મેઘરાજા નખત્રાણા પર ઓળઘોળ થયા હતા. અસલી રૌદ્ર રૂપ સાથે ભારે ડરામણી ગાજવીજના તેજલીસોટા સાથે એકથી ત્રણ વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડયો હતો. ભારે વરસાદનાં પગલે બસ સ્ટેશન પાસેના તેમજ રંજના લોજ પાસેના છેલામાં ભારે પૂર આવતાં લખપત હાઇવે માર્ગ પર કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો. રાબેતા મુજબ વથાણ, જૂની કલેક્ટર ઓફિસ પાસે ઘૂંટણ સમા પાણી ભરાયાં હતાં. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ ધોધમાર વરસાદના કારણે નગરની શેરીઓ જાણે વરસાદી વોકળા હોય તે રીતે પાણી વહ્યાં હતાં. તો સુપર માર્કેટ પાસે જોશભેર પાણી વહ્યાં હતાં.- વાહનવ્યવાહર ખોરવાયો : નખત્રાણાથી કોટડા-જ. વચ્ચે પાપડીનો છેલો પૂરજોશમાં આવતાં રસ્તા-માર્ગના બે છેડે વાહનોની કતાર લાગી હતી. તો આ છેલાના કારણે એમ્બ્યુલન્સ પણ અટવાઇ હતી. તાલુકાના સાંયરા-યક્ષ, પલીવાડ, દેવપર-યક્ષ, ધાવડા, વિથોણ, નાના-મોટા અંગિયા, સાંગનારા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો હોવાનું સાંયરાથી લાખાભાઇ તેજા સંઘાર તથા અંગિયાથી અમૃતભાઇ રૂડાણીએ જણાવ્યું હતું. બેરૂ, રામપર રોહા, ફોટ મહાદેવ વિસ્તાર, પિયોણી, જાડાય, વ્યાર, મોસુણા, નારાણપર-રોહામાં પણ ભારે વરસાદ પડતાં પિયોણી તેમજ ફોટ મહાદેવની નદીઓ આવી હતી, તેવું રામપરથી ઇશ્વરભાઇ સાંખલા તેમજ પિયોણીના મહંત હંસગિરિજીએ જણાવ્યું હતું. વિખ્યાત પુંઅરેશ્વર મહાદેવ મંદિર પાસેની વોંધડી નદી આવતાં પાસેના જ પાલરધુનાનો ધોધ ચાલુ થયો હતો. - મથલ તળાવ ઓગનવાના આરે : તાલુકાના કોટડા, ઉખેડા, મથલ, ખોંભલા, ઉગેડી, રવાપર, નાના-મોટા કાદિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં મથલના સોતસર તળાવમાં પાણીની ભારે આવક હોતાં સાંજ સુધી તળાવ ઓગની જશે તેવું મથલથી રાજેશભાઇ ગોરે જણાવ્યું હતું. આ વરસાદથી પિયત તેમજ કપિત મોલ મગફળી, કપાસ, તલી, એરંડા જેવા પાકોને ખૂબ જ ફાયદો થશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. નખત્રાણાથી મોટી વિરાણી જતા માર્ગનું હાલ નવીનીકરણનું કામ ચાલુ છે. માર્ગ બંને તરફ પહોળો બની રહ્યો છે. માર્ગ ખોદી ખાડા કરી ડાબકા પાથરવાનું કામ ચાલુ છે. આજના વરસાદથી આ ખાડાઓમાં પાણી ભરાતાં મુશ્કેલી થઇ હતી. વિદ્યાર્થીઓ પણ વરસાદના કારણે અટવાયા હતા. - નખત્રાણાનું ધોળા તળાવ છલકાઈ ગયું : નખત્રાણાના વથાણમાં આરામગૃહ પાસેથી પોસ્ટ ઓફિસમાં પાણી ભરાયાં હતાં. હોટેલ જે.પી. પાસે નખત્રાણાનું ધોળાતળાવ ઓગની જતાં તેના ઓગનનાં પાણી રામેશ્વર પાસેના નાનાસરમાં ઠલવાઈ રહ્યાં છે. તો રહેણાંકનાં ભરાયેલાં પાણી પણ આ તળાવમાં જતાં નાનાસરમાં પાણીની આવક શરૂ થઈ છે. તાલુકાના મોટી વિરાણી, દેવીસર, ધીણોધર પાવરપટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે - તો મથલ પાસેની ઘુરડ નદી આવતાં મથલ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. પાસેનો અમરાપર ડેમ ઓગનવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. તાલુકાના દેશલપર (ગુંતલી), જીંજાય, મુરૂ, ઢોરો, લુડબાય, વિસ્તારમાં પણ બે ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું કનૈયાલાલ બારૂએ દેશલપર (ગું) થી જણાવ્યું હતું. નખત્રાણા મામલતદાર કચેરીના કન્ટ્રોલરૂમમાંથી મળેલા  આંકડા અનુસાર ગુરુવારે નખત્રાણા સહિત પંથકમાં 93 મિ.મી. તેમજ અગાઉનો વરસાદ 333 મિ.મી.  સાથે મોસમનો કુલ વરસાદ 426 મિ.મી. જેટલો થયો હોવાનું કિરણ જયપાલે કહ્યું હતું. નેત્રાના વિનોદ પલણના જણાવ્યા અનુસાર નેત્રા-બાંડિયારી-રસલિયા-બાંડિયા-ઉસ્તિયામાં દોઢેક ઈંચ વરસાદ વરસ્યો હતો. ખોંભડીના બંને તળાવ છલકાયા હતા. - મોટી વિરાણીમાં એક કલાકમાં ત્રણ ઈંચ : પ્રતિનિધિ છગનભાઈ ઠક્કરના હેવાલ મુજબ આજે બપોરે 1.30થી 2.30 વાગ્યા દરમ્યાન એક કલાકમાં મોટી વિરાણી, નાની વિરાણી (વાંઢ), ભારાપર, સુખપર, રામેશ્વર ગામોમાં 3 ઈંચ મુશળાધાર વરસાદ વરસતાં નદી-નાળાંમાં ભરપૂર પાણી વહી નીકળ્યાં હતાં. નાની-મોટી અરલ, ધીણોધર, દેવીસર સહિતનાં ગામોમાં અડધાથી એક ઈંચ, બીજી તરફ નાની બન્નીનાં ગામ તલ, છારી, ફુલાય, લૈયારી, વેડહાર, જતાવીરા, પૈયા, વજીરાવાંઢમાં એકથી સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાદરવા માસના ઉત્તરાર્ધમાં વરસેલો વરસાદ ખેતરોમાં ઊભેલા રામમોલ તથા પિયત વાડીઓના કપાસ, એરંડા, મગફળીની પેદાશ માટે આ વરસાદ કાચા સોના જેવો ગણવામાં આવે છે. ઉખેડા, ધભાણ, રસલિયા, ખોંભડી, ટોડિયા, મથલ, કાદિયા સમગ્ર વિસ્તારમાં એકથી સવા ઈંચ વરસાદથી નદી-નાળાંમાં પાણી વહી નીકળ્યાં હતાં. આ વરસાદથી મથલના મોટા કેદમાં ઠલવાતી ધોરૂડ નદીમાં ભરપૂર પાણી આવ્યાં હોવાથી મથલ ડેમમાં પાણી આવ્યા છે. મોટી વિરાણીથી સુખપર વચ્ચેની નદીમાં પણ ભરપૂર પાણી આવ્યાં હતાં, તેમજ મોટી વિરાણી - નખત્રાણા વચ્ચેની મોટી પાપડીવાળી નદીમાં ભરપૂર પાણી આવ્યાથી ગડાપુઠા ડેમમાં સારા પ્રમાણમાં પાણી આવ્યું હતું.કોટડા (જ)માં ત્રણ ઈંચ વરસાદના વાવડ અશ્વિન ઠક્કરે આપ્યા હતા. કોટડા-નવાનગર વચ્ચે મોટી પાપડીમાં ઉપરવાસનાં પાણી વહેતાં વાહનો બંને કાંઠે અટકી ગયાં હતાં. વીજળીના કડાકા ભારે ડરામણાં હતા.વિરાણીથી પ્રતિનિધિ ઉમર ખત્રીના અહેવાલ અનુસાર કાદિયા પંથકના નાના મોટા કાદિયા, હીરાપર, ટોડિયા પંથકમાં બપોરના મેઘાએ જમાવટ કરી હતી. 60 મિનિટમાં 65 મિ.મી. પાણી વરસ્યું હતું. ગામના પ્રવેશદ્વાર પર વીજળી પડતા થોડી નુકસાનીની વાત પૂર્વ સરપંચ ભગવાનભાઈએ કરી હતી. મોટી પાપડી સિઝનના વરસાદમાં પહેલીવાર ગાંડીતૂર બની હતી. માજી સરપંચ ગુલામ મકવાણાએ 1 ઈંચ જેટલો વરસાદ ભડલી, અકાદના, થરાવડા, કોટડા વિસ્તારમાં પડયો હોવાનું જણાવ્યું હતું. રસલિયા, ઉખેડા પંથકમાં ર ઈંચ વરસાદના વાવડ છે. - કંઠીપટમાં મેઘરાજાનો ધુબાકો : મુંદરાથી અશ્વિન ઝુંઝુવાડિયાના હેવાલ અનુસાર શ્રાદ્ધમાં ભાદરવાના ભુસાકાએ કંઠીપટના મુંદરા તાલુકામાં એકથી ચાર ઈંચ વરસાદ પડતાં પાછોતરા કપિતનાં વાવેતરને ફાયદો થશે. અષાઢ મહિના જેવો માહોલ ખડો કરી મેઘરાજાએ બપોરના બે વાગ્યા પછી સટાસટી બોલાવી દીધી હતી. શિરાચાના નટુભા ચૌહાણે 4 ઈંચ વરસાદ પડતાં નદી બે કાંઠે વહી હોવાનું જણાવ્યું હતું. ખેતરોમાં કેડ સમાં પાણી ભરાયાં હોવાનું ટુંડાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ કેશવાણીએ કહ્યું હતું. અહીં ર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદના કારણે બજારમાં અને ખેતરોના રસ્તે પાણી વહી નીકળ્યાં હતાં. કારાઘોઘાથી મુકેશભાઈ શેઠિયા ગાજવીજ અને કડાકા ભડાકા સાથે 3 ઈંચ વરસાદ પડયો હોવાનું કહે છે. વડાલાથી લધાભાઈ રબારી દોઢથી બે ઈંચ વરસાદ થયો હોવાનું કહે છે. કણઝરાથી કિસાન અગ્રણી રવાભાઈ આહીર 1 ઈંચના વાવડ આપે છે. તેમણે જણાવ્યું કે કપાસ અને તૈયાર મગફળીને નુકસાન થશે જ્યારે પાછોતરા રામમોલને ફાયદો થશે. ધ્રબથી હુસેનભાઈ તુર્ક 1 ઈંચ વરસાદના સમાચાર આપે છે. - ગુંદિયાળી - મોટા ભાડિયા વચ્ચે પાપડી તૂટી : જ્યારે દેશલપરથી વનરાજસિંહ એમ. જાડેજા 4 ઇંચથી વધુ વરસાદ પડયાનું કહેતાં આગળ?જણાવે છે કે, ગુંદિયાળી-મોટા ભાડિયા વચ્ચેની નદી બે કાંઠે વહેતાં પાપડી તૂટી ગઇ છે. જ્યારે બિદડાની નદી બે કાંઠે જોશભેર વહે છે. નાના ભાડિયા કાંડાગરા વિસ્તારમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના સમાચાર મળે છે. દેશલપર, ભુજપુર અને રામાણિયા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે છેલામાં પાણી વહી રહ્યાં છે. - ખેંગારસાગર ડેમમાં નવ ફૂટ પાણી વધ્યાં : ઉપરાંત વાંકીથી શામજીભાઇ ડુડિયા 1 ઇંચ, ભદ્રેશ્વરથી પ્રદ્યુમનસિંહ જાડેજા દોઢ ઇંચ, ગુંદાલાથી  પાર્થ ઠક્કર દોઢ ઇંચ, સમાઘોઘાથી મહાવીરસિંહ જાડેજા 2 ઇંચ, લાખાપરથી બટુકસિંહ સોઢા સવા ઇંચ વરસાદ પડયો હોવાનું જણાવે છે. કારાઘોઘા ડેમ વિસ્તારમાં ભારે વરસાદ હોવાથી કારાઘોઘા ડેમ ઓગનવાની તૈયારીમાં છે. જ્યારે પત્રીથી ગુલાબસિંહ જાડેજા ખેંગારસાગર ડેમમાં 9 ફૂટ પાણી આવ્યું છે તેમ જણાવ્યું હતું. - કારાઘોઘા ડેમ છલકાઇ ગયો : સમાઘોઘા ગ્રા. પંચાયતે સૂચના આપી છે કે, કારાઘોઘા ડેમ ઓવરફ્લો થવાથી બરાયા, કારાઘોઘા, બોરાણા, નાના કપાયા અને ધ્રબ નદી વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી લેવું. ઝરપરામાં 1 ઇંચના સમાચાર વાલજીભાઇ ગઢવી આપે છે. મુંદરા મામલતદાર કચેરીના જણાવ્યા અનુસાર આજનો 14 મળી મોસમનો કુલ વરસાદ 385 મિ.મી. (સાડા 15 ઇંચ) થયો છે.- અંજારનો કુલ વરસાદ 26 ઇંચ નોંધાયો : અંજાર પ્રતિનિધિ રશ્મિન પંડયાના હેવાલ અનુસાર શહેરમાં આજે મેઘરાજા ધોધમાર વરસતાં સમગ્ર શહેર સહિત તાલુકાના મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર પાણી વહી નીકળ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી અનેક નદીઓ અને નાના મોટા ડેમોમાં નવા નીરથી પાણીની નોંધપાત્ર આવક થઇ હતી, તો બીજી બાજુ અંજાર શહેરમાં આજે બપોરે 12થી 2 કલાક દરમ્યાન વરસાદ ધીમી ધારે શરૂ થયા બાદ 10 મિ.મી. જેટલો નોંધાયો હતો પરંતુ બપોરે 2થી 4 કલાક દરમ્યાન મેઘરાજાએ ગતિ પકડતાં માત્ર 2 કલાકના ગાળામાં 66 મિ.મી. વરસાદ પડયો હતો, સાથે વીજળીના કડાકા-ભડાકાઓના નાદે ભય પ્રસરાવ્યો હતો. - શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં : અંજાર શહેરના વિજયનગર વિસ્તાર પાસે આવેલ મિસ્ત્રી બોર્ડિંગ, નયા અંજાર, મારુતિ નગર, ગોકુળનગર, ખત્રી કોલોની, હાઉસિંગ બોર્ડ કોલોની, ચંપક જીન પાસેના વિસ્તારોમાં ભારે પાણી ભરાતાં વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જેના પગલે અંજાર સુધરાઇ તંત્રની ટીમ દ્વારા સ્થળો પર જઇને પાણી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી, તેમજ અંજાર બસ સ્ટેશન સામે અને સોરઠિયા નાકા ભીડભંજન મંદિર સામે આવેલી દુકાનોમાં ભારે વરસાદનાં પગલે દુકાનોમાં પાણી ભરાયાં હતાં. અંજાર શહેરની પ્રખ્યાત અને કચ્છની સૌથી મોટી જથ્થાબંધ શાકભાજી માર્કેટમાં મોટી માત્રામાં પાણી ભરાતાં ત્યાંના વેપારીઓ અને ખેડૂતોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી, શહેરમાં આવેલા અનેક રોડોનું ધોવાણ પણ થયું હતું, જેના કારણે હલકી ગુણવત્તાવાળા વિકાસકામો સામે લોકોએ અંગુલિનિર્દેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં 25 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો હોવા છતાંય શહેરનું નમૂનેદાર સવાસર નાકા તળાવ હજુ સુધી ઓગની શક્યું નથી,જે અંજાર નગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા કરે છે. શહેરમાં અગાઉનો વરસાદ 574 મિ.મી. (23 ઇંચ) સાથે આજના દિવસનો નોંધાયેલો 76 મિ.મી. વરસાદ સહિત અંજારનો ચાલુ સિઝનનો કુલ વરસાદ 650 મિ.મી. (26 ઇંચ) નોંધાઇ ચૂક્યો છે, જે સમગ્ર કચ્છમાં સૌથી વધારે છે. - હાશ, લખપતમાંથી અછતનો ભય ટળ્યો : દયાપર (તા. લખપત)થી પ્રતિનિધિ વિશ્વનાથ જોશીના રિપોર્ટ અનુસાર છેવાડાના લખપત તાલુકામાં આજે ગાજવીજ સાથે સવા ઇંચ જેટલો વરસાદ પડતાં મોસમનો કુલ વરસાદ 152 મિ.મી. થતાં અછતના ઓળા હવે દૂર થયા છે.આજે તાલુકાના દયાપર, ઘડુલી, દોલતપર, માતાના મઢ, રાવરેશ્વર, ખડક, સાયણ, મેઘપર વિગેરે વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજા પધાર્યા હતા. આ વર્ષે છુટક છુટક વરસાદ પડતાં સીમમાં ઘાસચારો પુષ્કળ ઊગી નીકળશે, જેથી ઘાસચારાની સમસ્યા દૂર થશે. જ્યારે ડેમ-તળાવોમાં હજુ  જોઇએ તેટલાં પાણી નથી આવ્યાં. કોઇ ડેમ-તળાવ હજુ છલકાયા નથી. તેથી વધુ વરસાદની રાહ જોવાય છે. આજે ખડક કોરોના વેક્સિન માટે ગયેલી આરોગ્ય કર્મચારીઓની ટીમ વરસાદમાં અટવાઇ હતી. દયાપરનાં તળાવમાં  પાણીની આવ ચાલુ થઇ ગઇ હતી. હજુ આકાશ વાદળોથી ગોરંભાયેલું છે. વધુ વરસાદ થશે તેવી આશા લોકોમાં જાગી છે. - અબડાસામાં હજુ મેઘો કંજુસ : છેલ્લા પાંચેક દિવસના વિરામ બાદ અબડાસામાં આજે કેટલાક ગામોમાં ઝરમરિયા છાંટા અને ઝાપટાં સ્વરૂપે અડધો ઇંચ વરસાદ થયો હોવાનું પ્રતિનિધિ સતીશ ઠક્કરે જણાવ્યું હતું. ગુરુવારે સાંજે તાલુકાના તેરા, બારા, લાખણિયા, હમીરપર, નાની-મોટી ધુફી, કાળા તળાવ, કુણાઠિયા સહિતનાં ગામડાંમાં અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ થયો હતો. વાયોર આસપાસના વાયોર ઉપરાંત રોહારો, હોથીયાઇ, ગોલાય, નાની-મોટી બેર, સાંઘી, એબીજી, અકરી, થુમડી, પખા, વાગોઠ, કરમટા સહિતનાં ગામડાંમાં  ઝરમર સ્વરૂપે વરસેલો વરસાદ અડધોથી પોણો કલાક ચાલુ રહ્યો હતો. તો તાલુકા મથક નલિયામાં આજે 8 મિ.મી., કુલ મોસમનો 279 મિ.મી. વરસાદ કન્ટ્રોલ રૂમમાં નોંધાયો હતો. વરસાદી આળંગ આખા તાલુકામાં ચાલુ હોતાં વધુ વરસાદની આશા અનુભવીઓ દર્શાવી રહ્યા છે.- માંડવીમાં પણ હાજરી : ભાદરવાનો રંગ બતાવતાં મેઘરાજાએ આજે બપોરે દિવસે સંધ્યા જેવો માહોલ ઊભો કરી શહેરમાં હળવા ઝાપટાં વડે 8 મિ.મી.ના પાલર પાણીમાં ધરતી ભીંજવી હતી. આ સાથે મોસમનો એકંદરે વરસાદી આંક 404 મિ.મી.નોંધાયો હોવાનું ભૂપેન્દ્ર સલાટે જણાવ્યું હતું. આમ 16 ઈંચને પાર કરી ગયો હોવા છતાં જળાશય ઓગનવાનું બાકી રહ્યું હતું. ગઢશીશા પટ્ટીને જોડતા માર્ગે પાદરના દુર્ગાપુર, રાયણ, ડોણ તરફ પણ અડધા-પોણા ઈંચ મેઘમહેરના સમાચાર મળ્યા હતા.બિદડા પંથકમાં બપોરે દોઢ થી સાડા ત્રણ દરમિયાન મુશળધાર વરસાદના વાવડ સૈયદ ગુલામ મુસ્તફાએ આપતાં કહ્યું હતું કે, અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઉગમણો છેલો બે કાંઠે વહ્યો હતો. બિદડા ઉપરાંત ફરાદી, ખાખર પંથકમાં પણ સારો વરસાદ છે જ્યારે ત્રગડી, ગુંદિયાળી, મોઢવા તરફ હળવા વરસાદના વાવડ મળ્યા છે. આ લખાય છે ત્યારે મેઘાડંબર બરકરાર હોવાનું પ્રતિનિધિ દેવેન્દ્ર વ્યાસે જણાવ્યું હતું. - ગઢશીશામાં આયા સાવન ઝૂમ કે... : માંડવી તાલુકામાં ગઢશીશાથી પ્રતિનિધિ જિજ્ઞેશ આચાર્યના હેવાલ અનુસાર બે વાગ્યાના અરસામાં ધરા ધ્રુજાવતી ગગનભેદી ગાજવીજ સાથે અંદાજિત બે ઈંચ વરસાદ ખાબકી પડતાં ગામના તમામ મુખ્ય માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. પંથકના વડવા-કાંયા, વડવા-ભોપા, દુજાપર જેવા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વડવા કાંયા નદી તથા ગઢશીશા-રાજપર વચ્ચેની સોનાપરવાળી નદી બે કાંઠે વહી નીકળી હતી અને ચાલુ વરસાદે લોકોનાં ટોળા તે જોવા ઊમટયા હતા. ખેતી માટે પણ આ વરસાદ અતિશય ફાયદારૂપ ગણાવી શકાય છે. રત્નાપર, મઉંમાં અંદાજિત અડધા ઈંચ વરસાદના વાવડ વિપુલ રામજિયાણીએ આપ્યા હતા. વડવા કાંયાથી જગદીશ પટેલ, મોબ્બતસિંહ જાડેજા અને રાજપરથી મહેશભાઈ છાભૈયાએ અંદાજિત બે ઈંચ વરસાદના સમાચાર આપ્યા છે. બિદડાથી જેઠાલાલ સંઘારે પણ અઢીથી ત્રણ ઈંચ વરસાદનો હેવાલ આપ્યો હતો. બિદડા ઉગમણા છેલામાં ભારે પૂર આવ્યા હતા. ફરાદી-પીપરીમાં પણ ભાદરવાના ભારે ભુસાકા વરસ્યા હતા. તાલુકાના જખણિયા-ગામની રૂકમાવતીમાં ભારે વેગીલા પાણી ડેમમાં ઠલવાયા હોવાનું કોડાયથી જીવરાજ ગઢવીએ જણાવ્યું હતું. લુડવામાં બપોરે દોઢ કલાકમાં બે ઈંચ વરસાદનો હેવાલ વિવેક ગણાત્રાએ આપ્યો હતો. મોટા આસંબિયામાં દોઢેક વાગ્યે ગાજવીજ સાથે વરસાદ ખાબકયો હોવાનું જયેશ એમ. છેડાએ જણાવ્યું હતું. મોટા અંગિયા, નાના અંગિયા, જિંદાય, નાગલપર વિસ્તારમાં એક કલાક વરસાદ હતો. દોઢ ઈંચ પાણી પડયું હોવાનું સરપંચ ઈકબાલ ઘાંચીએ જણાવ્યું હતું. સાંગનારા, સુખસાણ, ગોડજીપર, પંથકમાં દોઢ ઈંચના વાવડ અરવિંદ ઠક્કરે આપ્યા હતા. વધુ વરસાદ માટે મોટી ઉમેદ રાખનારી નાની બન્નીના તલ, લૈયારી, છારી, માતીચુર વગેરે ગામોમાં 37.25 મિ.મી. (દોઢ ઈંચ) વરસાદ પડયો હોવાનું લૈયારીના અયુબ જત અને તલના ઈબ્રાહીમ જતે જણાવ્યું હતું. ભારાપર, રામ સરોવર, જૂની ભારાપર, ગડાપોઠા વિસ્તારમાં 1 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકયો હતો તેવું ભારાપરના સુરેશદાન ગઢવીએ, તો સાંયરા, આણંદપર, પલીવાડ, યક્ષ, મોરગર વિસ્તારમાં દોઢ ઈંચનું હેત મેઘાએ વરસાવ્યું હોવાનું આણંદપરના એ.કે. પટેલે કહ્યું હતું. - ડુમરા વિસ્તારમાં દોઢથી અઢી ઈંચ : આજે બપોરે અબડાસાના ડુમરા, સાંધાણ, છછી, આસપાસના ગામોમાં દોઢથી અઢી ઈંચ વરસાદ વરસ્યો હોવાનું લાલજી રાઠોડે વિગત આપતા જણાવ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer