પ્રાંથળ પર માગ્યા મેં વરસ્યા; છથી સાત ઇંચ

પ્રાંથળ પર માગ્યા મેં વરસ્યા; છથી સાત ઇંચ
ઉદય અંતાણી દ્વારા - રાપર/ભુજ, તા. 23 : કચ્છમાં સૌથી ઉપેક્ષિત અને ભુજથી બરોબર ઇશાન ખૂણે ઉભેલા રાપર તાલુકાના ઉત્તરીય પ્રાંથળ પંથક પર હજુ સુધી મેઘરાજાએ મોઢું સુદ્ધા ન્હોતું કર્યું. જાત મહેનત કરીને ખેતરો પાથરી બેઠેલા આખા પ્રાઉંજાર કે પ્રાંથળના ખેડૂતોની ધા સાંભળીને આવ્યા હોય તેમ બુધવાર રાતથી મેઘ સવારી વાજતે ગાજતે આવી પહોંચી હતી અને જોત જોતામાં આખે આખું પ્રાંથળ પાણી પાણી કરી  નાખી બધી જ ચિંતા-પ્રશ્નો-સમસ્યારૂપી કોયડાઓનો ઉકેલ આપી દીધો હતો. છથી સાત ઇંચ સાંબેલાધાર વરસાદે ચારેયકોર આનંદ વરસાવ્યો હતો. તાલુકા મુખ્ય મથક રાપરના ભાગે પણ ચાર ઇંચ પાણી આવ્યું હતું. જિલ્લા મથક ભુજમાં ચારેક દિવસના અસહ્ય ઉકળાટ બાદ બપોરે આગાહી સાચી પાડતા મેઘરાજા ધમાકેદાર રીતે પધાર્યા હતા અને શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી દીધાં હતાં. માધાપર, મિરજાપર, આહીરપટ્ટી, પટેલ ચોવીસી, મિંયાણીપટ્ટી, નાગોરથી  હબાય સુધીનો આખો ઊભો પટ્ટો અને બન્ની-પચ્છમ-પાશી સર્વત્ર ધીંગીધારનો વરસાદ વરસતાં લોકોનાં હૈયા હિલોળે ચડયા હતા. માલધારી, ખેડૂતોએ મેઘકૃપા વરસાવનારા પરમાત્માનો આભાર માન્યો હતો. રાપરના વિગતવાર હેવાલ અનુસાર અત્યાર સુધી રાપર તાલુકામાં શહેરમાં માત્ર રાત્રિના સમયે જ અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવા અને ભારે ઝાપટા સિવાય ભારે વરસાદ ન પડતાં શિયાળુ પાક નિષ્ફળ જવાની ચિંતા મેઘરાજાએ એક જ ઝાટકે દૂર કરી  દીધી હતી. બુધવારની મધરાત્રિથી ગુરુવારની સવાર સુધીમાં સમગ્ર તાલુકામાં અને ખાસ કરીને  પ્રાંથળ વિસ્તારનાં ગામડાંઓમાં પડેલા ભારે વરસાદનાં પગલે તમામ ડેમ- તળાવો  છલકાઈ  ગયા હતા. ભાદરવામાં મેઘરાજાએ વરસાવેલાં ભરપૂર હેતથી વાગડવાસીઓના ચહેરા ઉપર અનેરો આનંદ છવાયો હતો. રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે સાંજે 7.30 વાગ્યા બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી.  રાત્રિના જ ત્રંબો, રામવાવ, આડેસર તેમજ રાપર શહેરમાં  એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જો કે, આ દરમ્યાન પ્રાંથળ વિસ્તાર કોરો રહ્યો હતો. થોડા કલાકોના વિરામ બાદ શરૂ થયેલી સચરાચર મેઘસવારીથી  રાપર તાલુકાના અત્યાર સુધી સૂકા રહેલાં તમામ તળાવોમાં નવાં નીર આવ્યાં હતાં. બાલાસર પ્રતિનિધિ જયેન્દ્રસિંહ વાઘેલાના હેવાલ મુજબ પ્રાંથળના બેલા મૌવાણા, વિસ્તારમાં રાત્રિના 1 વાગ્યાથી  વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. સતત પાંચેક કલાક સુધી પડેલા  સાંબેલાધાર વરસાદથી બેલાના ડેમ, ગામ તળાવો, નદીમાં નવાં નીરની ભરપૂર આવક થઈ હતી તેમજ વરસાદ આધારિત ખેતી માટે ખેતરોમાં બનાવાયેલી તળાવડીઓ પણ છલકાઈ ગઈ હતી. એક જ રાતમાં મેઘરાજાએ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની  સીકલ ફેરવી નાખી હતી. અંદાજે 6થી 7 ઈંચ જેટલી ધીંગી મહેરથી વિવિધ ગામડાઓના રસ્તામાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે વિવિધ વાંઢોમાં  આવવા-જવા માટેના રસ્તા અવરોધાયા હતા. બેલા- મોવાણાની નદીમાંથી અને તળાવના ઓગનમાંથી પૂરજોશથી  ખળખળ વરસાદી પાણી વહી રહેતાં આંખ ઠારે તેવાં દૃશ્યો લોકો મોબાઈલમાં કંડારતા હતા અને સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતા. અત્યાર સુધી વરસાદ ન પડતાં  વરસાદ આધારિત ખેતી  થાય છે તેવા પ્રાંથળમાં ભારે ચિંતા હતી, જે પાંચેક કલાકમાં જ પૂરી થઈ ગઈ હતી. બેલાના ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ છ ઇંચ વરસાદ વરસ્યાનું જણાવ્યું હતું. ગામનું તળાવ ઓગની ગયું હતું. જાટાવાળાનાં સમરથસિંહ વાઘેલાએ પણ નવાં નીરનો હરખ દર્શાવ્યો હતો. રાસાજી, ગઢડા, નાગપુર, વેરસિયા પણ પાલર પાણી પામ્યા હતા. આ ઉપરાંત બાલાસર,  વ્રજવાણી, આણંદપર, ધબડા સહિતના પ્રાંથળના અનેક  ગામડાંના તળાવોમાં પણ એક વર્ષ ચાલે તેટલો સંગ્રહ  થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તો રાપર તાલુકાના ફહેતગઢ  ગેડી, સહિતના ગામમાં પણ રાત્રિથી સવાર સુધી ધોધમાર વરસાદ પડયો હોવાનું અને ડેમમાં નવાં પાણીની આવક ચાલુ હોવાનું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીર રાજપૂતે જણાવ્યું હતું. આડેસર, ગાગોદર, પલાંસવા, કીડિયાનગર, નીલપર, સેલારી, કલ્યાણપર, ડાભુંડા, રામવાવ, ચિત્રોડ સહિતનાં ગામડાંઓમાં પણ એકથી બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો.  બપોર બાદ મેઘરાજાએ વીરામ લીધો હતો. રાપર શહેરમાં પણ મધરાત્રિથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં થોડા થોડા સમયના અંતરે ભારે વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું હતું.  શહેરના પ્રવેશદ્વાર, દેનાબેન્ક ચોક, કોર્ટ રોડ, અયોધ્યાપુરી, તિરુપતીનગર તેમજ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા.  શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી જોશભેર વહી નીકળ્યાં હતાં. ભારે વરસાદ વચ્ચે પણ શહેરમાં વીજપુરવઠો લગભગ પૂર્વવત રહેતાં લોકોએ રાહત અનુભવી હતી. રાત્રિના વરસાદ બાદ મધરાત્રિથી બપોર સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મામલતદાર કચેરી સ્થિત કંટ્રોલરૂમમાં ગત રાત્રિના 10 વાગ્યાથી આજે બપોરે બે વાગ્યા સુધીમાં 97 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. મોસમનો કુલ વરસાદ 390 મિલિમીટર થયો હતો. બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ તાલુકામાં વિરામ લીધો હતો. પ્રાંથળમાં આવેલું નાની સિંચાઈનું એક જળાશય ઓવરફલો થઈ ગયું હતું, જ્યારે અન્ય જળાશયોમાં ચારથી 7 ફૂટ જેટલું પાણી આવ્યું હતું. હાઈવે પટ્ટીના ગામોના તળાવ ડેમમાં તળિયામાં પાણી આવ્યું હતું.  પ્રાંથળ જેવું હેત તાલુકાના અન્ય ગામડાંઓમાં મેઘરાજા વરસાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. દરમ્યાન, નખત્રાણા તાલુકાનાં ખીરસરા ગામે વનિતાબેન કોલી પોતાનાં ઘર પાસે ઊભાં હતાં ત્યારે આકાશી વીજળી તેમના પર પડતાં દાઝી ગયાં હતાં. ગામના સરપંચ દિનેશભાઇ તેને સારવાર માટે નખત્રાણા લઇ ગયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer