ગાંધીધામમાં કડાકા-ભડાકા સાથે દોઢ ઇંચ

ગાંધીધામમાં કડાકા-ભડાકા સાથે દોઢ ઇંચ
ગાંધીધામ, તા. 23 : આ સંકુલમાં થોડાક દિવસ પોરો ખાધા બાદ આજે બપોરે મન મૂકીને મેઘો વરસ્યો હતો. બફારા, ઉકળાટ પછી બપોરે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ શહેર અને સંકુલમાં અગાઉ મેઘરાજાની સતત હાજરી રહેતી હતી. દરરોજ ઝરમર કે  જોરદાર ઝાપટાં રૂપે આવતા આ વરસાદનાં કારણે સંકુલમાં અનેક જગ્યાએ માર્ગો ઉપર ખાડા પડી ગયા છે. જેમાં કયાંક મલબો કે  ભૂસી નાખવામાં આવી નથી, જેનાં કારણે વાહનચાલકો પરેશાન થતા હોય છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ ઉપર આકાશમાં ક્યારેક કાળાં ડિબાંગ વાદળો છવાયેલાં રહેતાં હતાં તો ક્યારેક સૂર્યદેવ આકરો તાપ વરસાવતા હતા. આવા તાપ, બફારા અને ઉકળાટમાં લોકો રીતસરના અકળાયા હતા. આજે બપોર સુધી તડકો રહ્યા બાદ બપોરે બે વાગ્યાની આસપાસ મેઘસવારી આવી પહોંચી હતી. શરૂઆતમાં ઝરમર શરૂ થયેલા વરસાદે લોકોનાં હૃદયને ટાઢક આપી હતી. પરંતુ બાદમાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળો દોડતાં થયાં હતાં. વાદળોની આ દોડાદોડ વચ્ચે ધડાકા-ભડાકાના અવાજથી લોકોનાં મકાનોની બારી, બારણાં ધ્રૂજવા લાગ્યાં હતાં. તો વીજળીના લીસોટા, ચમકારાથી લોકોની આંખો અંજાઇ જતી હતી. આવી ધમાચકડી વચ્ચે મેઘો મન મૂકીને વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તેમજ શહેરની મુખ્ય બજારના માર્ગો ઉપર પણ પાણી ભરાયેલાં રહ્યાં હતાં. ગુરુવારના અહીંની અમુક દુકાનો બંધ રહેતી હોવાથી અમુક વેપારીઓ વરસાદની મજા માણવા અને ચાની  ચુસ્કી લેવા ઘરોમાંથી નીકળી પડયા હતા. આજે બપોરે પડેલો વરસાદ દોઢથી બે ઇંચ હોવાનું અનુમાન છે. અહીંની મામલતદાર કચેરીમાં આજે બપોરે 2થી 4 વચ્ચે 17  મિ.મી. તથા 4થી 6 વચ્ચે 3 મિ.મી. એમ ચાર કલાકમાં 20 મિ.મી. (પોણો ઇંચ) જેટલો વરસાદ પડયો હોવાનું નોધાયું હતું. આ 20 મિ.મી.ની સાથે અહીં મોસમનો કુલ વરસાદ 385 મિ.મી.એ પહોંચ્યો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer