અંતે હમીરસર તળાવ ગટરનાં પાણીથી અભડાયું

અંતે હમીરસર તળાવ ગટરનાં પાણીથી અભડાયું
ભુજ, તા. 23 : અંતે ભીતિ સાચી પડી હોય તેમ આજે પડેલા વરસાદી ઝાપટાંને પગલે  હમીરસર તળાવને ગટરના પાણીએ અભડાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી ગટર ઊભરાવાની સમસ્યાએ ભુજની હાલત બદતર કરી નાખી છે. ભુજ સુધરાઈ દ્વારા કરોડો ખર્ચાયા છે અને હજુ પણ દર માસે લાખોનું આંધણ ગટર પાછળ થઈ રહ્યું છે છતાં સમસ્યા હલ થવાનું નામ નથી લેતી. શહેરના અલગ-અલગ વિસ્તારોને બાનમાં લીધા બાદ હવે ગટરના પાણી હમીરસર તળાવ સુધી પહોંચતાં પાણીની આવને દૂષિત કરી હોય તેમ આજે વરસાદને પગલે ભાનુશાલીનગર નજીકની આવમાં એકાએક કાળા પાણી વહીને છેક મોટા બંધ સુધી પહોંચી હમીરસર તળાવને અભડાવ્યું હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશલસર તળાવની હાલત બદતર બનવા પાછળ તેમાં ભળતા ગટરના પાણી જ કારણભૂત છે ત્યારે હવે ભુજમાં ઉમેદનગર નજીક, ભાનુશાલીનગર નજીક તેમજ અન્ય અલગ-અલગ આવ મારફતે હમીરસર તળાવ સુધી ગટરનાં પાણી પહોંચી રહ્યાં છે ત્યારે શહેરના હૃદયસ્થ હમીરસર તળાવને દૂષિત થતા અટકાવવા સુધરાઈ તત્કાળ કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે. આજના ઝાપટાં રૂપે પડેલા વરસાદમાં જ ઘનશ્યામનગર પાસેની ત્રણેક ચેમ્બરમાંથી ગટરનાં પાણી જોશભેર વહી નીકળતાં તાજેતરમાં જ લાખોના ખર્ચે અપાયેલા ગટર સફાઈના કોન્ટ્રાકટ સામે પણ સવાલ ઊઠી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer