ખેડૂતોને આતંકવાદી કહેવા મામલે ખેતીવાડી અધિકારી સામે રોષ ફાટયો

ખેડૂતોને આતંકવાદી કહેવા મામલે ખેતીવાડી અધિકારી સામે રોષ ફાટયો
ભુજ, તા. 23 : કચ્છમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવાની માંગ કરતાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને આતંકવાદી કહેતાં ગઈકાલે ભારતીય કિસાન સંઘના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. 15 દિવસમાં કિસાન સહાય યોજના લાગુ નહીં કરાય તો ધરણા કરવાની ચીમકી આપી હતી. રાત્રે 10 વાગ્યે બેઠક યોજી આયોજન કરી આજે જિલ્લા પંચાયતમાં ધસી આવેલા પ્રતિનિધિ મંડળે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માને આવેદનપત્ર આપી દેશસેવા માટે યુદ્ધ વખતે ટ્રેકટરો સાથે સરહદે જવાનોને પાણી પહોંચાડવા, કોરોના સમયમાં સેનિટાઈઝેશન માટે કલેક્ટરને સામેથી ટ્રેક્ટરો સહિતની સેવા આપી હતી તેની યાદ જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાએ આપી હતી. પ્રમુખ શિવજીભાઈ સાથે ઉપપ્રમુખ ડાયાભાઈ રૂડાણી, મહામંત્રી વાલજીભાઈ લીંબાણી, મંત્રી ભીમજીભાઈ કેરાસિયા, કોષાધ્યક્ષ હરુભાઈ વોરા, મહિલા મંત્રી વાલુબેન રાબડિયા, વાલી રામજીભાઈ છાંગા, મોહનભાઈ લીંબાણી અને આઠે તાલુકાના પ્રમુખ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવાયું હતું કે કચ્છ જિલ્લામાં તા. 31/8/21 સુધી કોઈ પણ તાલુકામાં 10 ઈંચ વરસાદ થયો ન હતો ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સરકારને કચ્છમાં પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા અંગે અહેવાલ અપાયો નથી તે ઉપરાંત મીડિયામાં પણ આ અંગે સચોટ માહિતી આપવાના બદલે ગેરમાર્ગે દોરવાનું કામ કરાયું છે. વરસાદ ન પડતાં આર્થિક ફટકો સહન કરી રહેલા કચ્છના કિસાનો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી સહાય આપવાની માંગ કરી રહ્યા છે તેનો યોગ્ય ઉકેલ લાવવાના બદલે ચોક્કસ સમાજનો ઉલ્લેખ કરીને ખેડૂતોને આતંકવાદી કહ્યા છે. ભચાઉ તાલુકા ભારતીય કિસાન સંઘના મહામંત્રીને ફોન દ્વારા ફોજદારી ફરિયાદ કરીને ફિટ કરાવીશ અને ચેતતો રહેજે તેવી ધમકી આપી વધુમાં જણાવ્યું કે પોલીસ અમારી અધિકારીની જ છે અને ગમે ત્યારે ફિટ કરાવી દઈશ તેવી ધમકી ભારતીય કિસાન સંઘ કોઈ સંજોગમાં સાંખી નહીં લે. પ્રેસ મીડિયામાં અને સરકારને જે રિપોર્ટિંગ કરાયું છે તેમાં કચ્છના 400 ગામ અને 3600 સર્વે નંબરમાં મોજણી કરાવાઈ છે. તેમ જણાવાયું છે. આ અંગે તાલુકા ખેતીવાડી નિયામક અને ગ્રામસેવકોને પૂછ્યું ત્યારે આવો કોઈ સર્વે કરાયો નથી તેમ જણાવાયું છે. ગયા વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ થયો ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને એસડીઆરફએફ ફંડમાંથી સહાય ચૂકવવાનું નક્કી થયું ત્યારે પણ સરકારને બદનામ કરવા અને સરકારને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું હતું. જે ખેડૂતોનો થોડો ઘણો બચેલો પાક છે તેને ટેકાના ભાવે ખરીદવામાં નહીં આવે તેવી સરકારની કોઈ માર્ગદર્શિકા ન હોવા છતાં સરકારની ઉપરવટ જઈને આવો પરિપત્ર બહાર પાડયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer