અંજારમાં નિર્માણ પામશે બહુમાળી ભવન

અંજારમાં નિર્માણ પામશે બહુમાળી ભવન
રશ્મિન પંડયા દ્વારા -  અંજાર, તા. 23 : પૂર્વ કચ્છના વડામથક અંજારના જેસલ-તોરલ પરિસરના રૂા. 2.76 કરોડનાં ખર્ચે થનારા ફેઝ-2નાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.અંજાર ખાતે  ખાતમુહૂર્ત કરતાં પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર વિભાગના ધારાસભ્ય વાસણભાઇ?આહીરે જણાવ્યું હતું કે, કચ્છનું આ ઐતિહાસિક શહેર સંસ્કૃતિ સાચવીને બેઠું છે તે નવી પેઢીને જીવનમાં નવી દિશા આપશે. અહીં આવતા દેશ-વિદેશના યાત્રાળુઓની સુવિધા માટે જ્યારે  પોતે પ્રવાસન વિભાગના મંત્રી હતા, ત્યારે આ તીર્થધામના વિકાસ માટે મંજૂર કરાયેલી રકમમાં પ્રથમ ફેઝમાં રૂા. 80 લાખના ખર્ચે પ્રાથમિક સુવિધાના વિકાસ બાદ આજે રૂા. 2 કરોડ ને 76 લાખના ખર્ચે આ ધાર્મિક પરિસરમાં 53 દુકાન, યાત્રિકોને રહેવા માટે ગેસ્ટ  હાઉસ, કેમ્પસને ફરતે કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક, પાર્કિંગ રોડની સુવિધા પ્રાપ્ત થશે.ઐતિહાસિક તીર્થધામના વિકાસની વર્ષો જૂની અપેક્ષા પૂર્ણ થતાં  વેપાર-ધંધાને નવી ગતિ પ્રાપ્ત થશે. આગામી દિવસોમાં બહુમાળી ભવનનાં નિર્માણ માટે આયોજન ગોઠવાઇ રહ્યું છે. તેના માટે જમીન સંપાદનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થશે.મુખ્ય અતિથિ સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે,  આ શહેરમાં આ સ્થળે વિવિધ સંપ્રદાયોના મુખ્ય ધાર્મિક સ્થળો આવેલાં છે. જેસલ-તોરલ અને તમામ સંપ્રદાયના યાત્રાળુઓને વધુ સારી સુવિધા મળશે.સ્વાગત પ્રવચનમાં ડે. કલેક્ટર વિમલભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ઉત્તમ કોટીનું પરિસર બનશે.રામ સખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજીએ આશીર્વાદ પાઠવી વિકાસ કામગીરીને બિરદાવી હતી. કચ્છ જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઇ કોડરાણીએ જણાવ્યું હતું કે, સરકાર જરૂરી સુવિધા સવલતો પૂરી કરી રહી છે, જેના થકી સમગ્ર પ્રવાસન ક્ષેત્રે નવી ગતિ પ્રાપ્ત થશે.આ પ્રસંગે આ વિસ્તારના વેપારી સંગઠનો  દ્વારા સાંસદ શ્રી ચાવડા અને પૂર્વ મંત્રી શ્રી આહીરનું વિશેષ સન્માન કરાયું હતું. સંચાલન ગોપાલભાઇ માતાએ અને આભારવિધિ ડેનીભાઇ શાહે કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ શાહ, મહામંત્રી અશ્વિનભાઇ સોરઠિયા, નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ,  જિલ્લા આયોજન અધિકારી શ્રી ચાવડા, ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, કારોબારી સમિતિ ચેરમેન વિજયભાઇ ડી. પલણ, શાસક પક્ષના નેતા સુરેશભાઇ એ. ટાંક, દંડક, વિનોદભાઇ ચોટારા, નગરસેવકો, મુખ્ય અધિકારી, મામલતદાર તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી જયશ્રીબેન મહેતા, યુવા ભાજપ પ્રમુખ જીગરદાનભાઇ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પૂજન વિધિ દેવેનભાઇ વ્યાસે કરાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer