અંગદાન માટે કઇ બાબતોનું ધ્યાન રાખવું તેની સમજ અપાઇ

અંગદાન માટે કઇ બાબતોનું ધ્યાન રાખવું તેની સમજ અપાઇ
આદિપુર, તા. 23 : અંગદાન-દેહદાન અંગે રાષ્ટ્રીય કક્ષાએ જાગૃતિ આવે એ અભિયાન અંતર્ગત ભુજની એમ.ડી. કોલેજ ઓફ એજ્યુકેશન અને આદિપુરની તોલાણી કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે `અંગદાન-દેહદાન' જાગૃતિ માટે ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓ જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભમાં પ્રા. શીતલબેન યોગીએ વકતાઓ સહિત સર્વેને આવકાર્યા હતા. તોલાણી કોમર્સ કોલેજના આચાર્ય ડો. મનીષ પંડ્યાએ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરી સામાન્ય માહિતી આપી હતી. કચ્છમાં ત્રણ દાયકા પૂર્વેની દેહદાનની સ્વ. પી. જે. જોશીની પ્રથમ ઘટનાના પ્રણેતા પરિવારના સામાજિક કાર્યકર્તા, નાટ્ય કલાકાર પ્રદીપ જોશીએ આજ સુધીની દેહદાનની જાગૃતિનો ચિતાર આપ્યો હતો. એ માટે સ્થપાયેલી મુક્તિ સંસ્થાઓ, અન્ય સંસ્થાઓ, અખબારોનો સહયોગ, પત્રકાર જગદીશભાઈ પંડ્યાના સહયોગથી ગાંધીધામ લાયન્સ ક્લબ સાથે આ અંગેની સંયુક્ત પ્રવૃત્તિઓની ગતિવિધિ રજૂ કરી હતી. કાર્યક્રમના બીજા વક્તા ડો. નરેશભાઇ જોશીએ કચ્છની અંગદાનની ઘટનાઓ, તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તબીબોની તકેદારી, પરિવારની સમજાવટ સહિતની અનેક બાબતોની તલસ્પર્શી વિગતો આપી હતી. તોલાણી કોમર્સ કોલેજના આચાર્ય ડો. પંડ્યાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી યુવાધનને આ અભિયાનમાં જોડાવા અનુરોધ કરી સૌને અંગદાન-દેહદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો. હિમાંશુ પટેલ અને સંચાલન પ્રા. મિત્રાવિંદા અધ્વર્યુએ કર્યું હતું. જવાબદારી તોલાણી કોલેજના પ્રો. કુમાર જયભાઈએ સંભાળી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer