સમાજને ટકાવવા ધર્મમાં આસ્થા જરૂરી

સમાજને ટકાવવા ધર્મમાં આસ્થા જરૂરી
નલિયા (તા. લખપત), તા. 23 : લખપત તાલુકાના હમનખુડી ખાતે રૂા. પાંચ કરોડના ખર્ચે 850 વર્ષ પૌરાણિક ઝૂલેલાલ, ઉડેરોલાલ મંદિરનો શિલાન્યાસ જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાના હસ્તે કરાયો હતો.આ પ્રસંગે તેમણે પ્રથમ આધારશિલા મૂકી પૌરાણિક સ્થળના વિકાસની સાથે આરોગ્ય, શિક્ષણ સહિતની સુવિધા વિકસે તો આસપાસના ગામોનો પણ?વિકાસ થશે તેવો આશાવાદ વ્યકત કરી ઝૂલેલાલનો પ્રાગટય ઇતિહાસ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જેમ જીવન જીવવા અનાજ, જળની જરૂરત હોય છે તેમ સમાજને ટકવા માટે ધર્મમાં આસ્થા હોવી જરૂરી છે. ખરી આધારશિલા લોકોની આસ્થા છે જે સ્થાન સાથે જોડાયેલી હોય છે તેવું કહી તેમણે લોહાણા સમાજની એકતા જાળવી રાખવા અનુરોધ કરી કચ્છીઓની વતનપરસ્તીની સરાહના કરી હતી.આ પ્રસંગે આશીર્વચન આપતાં ગઢશીશાના પૂ. ચંદુમાએ  દાતાઓને  સંપત્તિનો સદ્ઉપયોગ કરવા જણાવ્યું હતું. લોહાણા સમાજે મંદિર નિર્માણમાં દાનની સરવાણી વહાવી તે બદલ ખુશી વ્યકત કરી હજી પણ મંદિર નિર્માણમાં દાનની સરવાણી વહાવે તેવો અનુરોધ કરી ગૌસેવા, પક્ષીઓને ચણ, કૂતરાઓને  રોટલા વગેરે સત્કાર્યો માટે પણ દાતાઓએ આગળ આવવા જણાવ્યું હતું.મંદિર નિર્માણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર પૂના લોહાણા મહાજનના પ્રમુખ રમેશભાઇ કમાણીએ દાતાઓએ આગળ આવવા અનુરોધ કરતાં 25 લાખનું દાન જાહેર થયું હતું. જેમાં મુખ્ય દાતા દક્ષાબેન અને અતુલભાઇ કતિરા પરિવાર, રૂા. 4.51 લાખ સરસ્વતીબેન નવીનચંદ્ર પરિવાર અને તારાબેન ઘનશ્યામભાઇ રૂપારેલ પરિવાર રૂા. 3.11 લાખ, ચૂનીલાલ રાજદે, ખીમજીભાઇ હ. યોગેશભાઇ દાવડા, રાજેશ, લીલાધર, શંકરલાલ બટાટાવાળા, હરેશ મથરાદાસ અનમ પ્રત્યેકના રૂા. 2.51 લાખ, રૂા. 3.11 લાખ દિનેશભાઇ ઠક્કર માધાપર, મંજુલાબેન ભીંડે, ભગીરથીબેન પ્રત્યેકના રૂા. 1.25 લાખ, દમયંતીબેન દયારામ, દિનેશભાઇ દૈયા પ્રત્યેકના રૂા. 1.51 લાખ, 1 લાખ મહેન્દ્રભાઇ ખટાઉ, 1 લાખ મંગલમૂર્તિ ટ્રેડિંગ પીપલ ગાંવ વગેરેનો સમાવેશ થાય છે. વિશાલ મહારાજે શિલા પૂજનની વિધિ કરાવી હતી. સંચાલન દીપક રેલોન, આભારવિધિ ભરત કતિરાએ કરી હતી. સ્થાનિક ટ્રસ્ટીઓ નવીનભાઇ રૂપારેલ, પ્રવીણભાઇ કેશરિયા (પાનધ્રો)નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. જેન્તીભાઇ ચંદે કેળાવાળા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. કિશોરભાઇ ચંદન-નેત્રા, મહેન્દ્રભાઇ ભામાસા, પ્રવીણભાઇ તન્ના દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા ગોઠવાઇ હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer